અકસ્માત પહેલા જ મળશે એલર્ટ, સરકાર નવી ટેકનોલોજી ઉપર કરી રહી છે કામ
નવી દિલ્હી, 24 જાન્યુઆરી, 2026: કલ્પના કરો કે તમે હાઈવે પર ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છો અને અચાનક આગળ ક્યાંક અકસ્માત થાય, કોઈ વાહન જોરદાર બ્રેક મારે કે રસ્તા પર લપસણું તેલ ઢોળાયેલું હોય અને તમારી ગાડી તમને આ જોખમ આવતા પહેલા જ ચેતવણી આપી દે! આ કોઈ વિજ્ઞાન કથા નથી, પરંતુ ટૂંક સમયમાં ભારતીય રસ્તાઓ પર હકીકત બનવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દેશમાં ડ્રાઈવિંગના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખવા માટે એક અત્યાધુનિક સિસ્ટમ લાવી રહી છે, જેમાં વાહનો અંદરોઅંદર વાતચીત કરી શકશે.
કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતો રોકવા માટે એવી ટેકનોલોજી પર કામ કરી રહી છે જેનાથી રસ્તા પર ચાલતા વાહનો એકબીજાને સિગ્નલ મોકલી શકશે. આ પ્રોજેક્ટ માટે સરકારે 30 ગીગાહર્ટ્ઝ (30 GHz) ની ખાસ રેડિયો ફ્રીક્વન્સી નક્કી કરી છે. આ હાઈ-સ્પીડ સિગ્નલ વેવ પળવારમાં એક ગાડીમાંથી બીજી ગાડી સુધી સંદેશ પહોંચાડી દેશે. જો આગળ જતી કોઈ કાર અચાનક બ્રેક મારે કે અકસ્માતનો ભોગ બને, તો પાછળ આવી રહેલા તમામ વાહનોની સિસ્ટમમાં તાત્કાલિક એલર્ટ ચમકશે, જેથી ડ્રાઈવર સમયસર સાવચેત થઈ શકશે. આ ટેકનોલોજી માત્ર અકસ્માત જ નહીં, પરંતુ ખરાબ હવામાનમાં પણ વરદાન સાબિત થશે. ગાઢ ધુમ્મસ, મુશળધાર વરસાદ કે રાત્રિના અંધારામાં જ્યારે ડ્રાઈવરની જોવાની ક્ષમતા ઓછી હોય છે, ત્યારે આ સિસ્ટમ પહેલાથી જ આવનારા જોખમની જાણ કરી દેશે.
સંસદની માર્ગ સુરક્ષા સમિતિની બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર હવે ચાર સ્તરો પર કામ કરી રહી છે. બ્લેક સ્પોટ (અકસ્માત ઝોન) માં સુધારો અને હાઈવેનું વિસ્તરણ, ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન, શાળાઓમાં માર્ગ સુરક્ષાના પાઠ ભણાવવા તથા દરેક જિલ્લામાં ટ્રોમા સેન્ટરની સુવિધા. સરકારનો અંતિમ ઉદ્દેશ્ય એવી સ્માર્ટ માર્ગ વ્યવસ્થા ઉભી કરવાનો છે કે જ્યાં ટેકનોલોજી પોતે ડ્રાઈવરની મદદગાર બને અને દરેક મુસાફર સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે.
(Photo-File)
આ વાંચોઃ અમદાવાદમાં હવે જાહેર રસ્તા પર શ્વાનને ખોરાક નાખનાર સામે થશે કાર્યવાહી


