1. Home
  2. ગુજરાતી
  3. રશિયા પાસેથી ભારતે તેલની આયાતમાં કર્યો મોટો કાપ: આયાત 27 ટકા ઘટી
રશિયા પાસેથી ભારતે તેલની આયાતમાં કર્યો મોટો કાપ: આયાત 27 ટકા ઘટી

રશિયા પાસેથી ભારતે તેલની આયાતમાં કર્યો મોટો કાપ: આયાત 27 ટકા ઘટી

0
Social Share

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ડિસેમ્બર 2025માં રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં ભારતે રશિયા પાસેથી 2.7 અબજ ડોલરનું તેલ ખરીદ્યું હતું, જે ફેબ્રુઆરી 2024 પછીનો સૌથી ઓછો આંકડો છે. અમેરિકા દ્વારા રશિયન તેલ કંપનીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધોની આ સીધી અસર હોવાનું મનાઈ રહ્યું છે.

નવેમ્બર 2025માં ભારત 3.7 અબજ ડોલરનું તેલ રશિયા પાસેથી મંગાવ્યું હતું, જેની તુલનામાં ડિસેમ્બરમાં 27 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા ગત 22 ઓક્ટોબરે રશિયાની દિગ્ગજ તેલ કંપનીઓ ‘રોસનેફ્ટ’ અને ‘લુકોઈલ’ પર લાદવામાં આવેલા પ્રતિબંધો છે. અમેરિકાએ આ કંપનીઓ સાથેના તમામ વ્યવહારો 21 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા આપી હતી. આ બંને કંપનીઓ ભારતને રશિયન તેલ સપ્લાય કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતી હતી.

એક તરફ રશિયા પાસેથી આયાત ઘટી છે, તો બીજી તરફ અમેરિકા પાસેથી તેલની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો છે. ડિસેમ્બર 2025માં અમેરિકાથી તેલની આયાત વધીને 0.6 અબજ ડોલર થઈ છે, જે ગત વર્ષે 0.4 અબજ ડોલર હતી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં અમેરિકાથી તેલની આયાત 7.8 ટકા વધીને 8.2 અબજ ડોલર પર પહોંચી છે.

ઘટાડો નોંધાયા છતાં, નાણાકીય વર્ષ 2025-26 માં રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ રહ્યો છે. ડિસેમ્બર 2025માં ભારતની કુલ 11.4 અબજ ડોલરની તેલ આયાતમાં રશિયાનો હિસ્સો 24 ટકા રહ્યો હતો. ઈરાક પાસેથી 2.4 અબજ ડોલર, સાઉદી અરેબિયા પાસેથી 1.8 અબજ ડોલર, યુએઈ પાસેથી 1.7 અબજ ડોલર અને અમેરિકા પાસેથી 0.6 અબજ ડોલરના ઓઈલની આયાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયન તેલની આયાત શૂન્ય કરવા માટે સહમત થયું છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ અંગે સીધી પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે ૧૪૦ કરોડ ભારતીયોની ‘ઉર્જા સુરક્ષા’ સુનિશ્ચિત કરવી એ ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપ 2026: ICCએ કોમેન્ટ્રી પેનલ જાહેર કરી, ભારતમાંથી 5 મોટા નામ સામેલ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code