1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ- પરશોત્તમ રૂપાલા
ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ- પરશોત્તમ રૂપાલા

ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ- પરશોત્તમ રૂપાલા

0
Social Share

અમદાવાદ: ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ એમ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ગુરૂવારે ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું.તે ગાંધીનગરમાં ઈન્ડીયન ડેરી એસોસિએશનની 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપોની ઉદ્ઘાટન બેઠકને સંબોધન કરી રહયા હતા.

ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ 3 દિવસની કોન્ફરન્સમાં ભારત અને વિદેશમાંથી ડેરી નિષ્ણાતો, સહકારી સંસ્થાઓ, દૂધ ઉત્પાદકો, સરકારી અધિકારી,વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, આયોજકો અને હિતધારકોને એકત્ર થયા છે. આ કોન્ફરન્સનો થીમ “ભારતને વિશ્વની ડેરી બનવા માટેની તક અને પડકારો ” રાખ્યો છે.

પરશોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું કે “ભારતના ડેરી ઉદ્યોગે નોંધપાત્ર વેગ પ્રાપ્ત કર્યુ છે અને તે વિશ્વને દૂધ અને ડેરી ઉત્પાદનો અંગે સુરક્ષિત કરી શકે તેમ છે. પ્રજાતિ સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયની જરૂરિયાત છે. પશુ દીઠ સરેરાશ દૂધ ઉત્પાદન અઢીથી ત્રણ લીટર હોવા છતાં, આપણે દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક છીએ. કલ્પના કરો કે ઉત્પાદકતા વધારીને 10 લીટર સુધી પહોંચે તો ભારત ડેરી ઉદ્યોગમાં ક્યાં સુધી આગળ ધપી શકે? આપણે પ્રજાતિ સુધારણાને મિશન મોડમાં સ્વીકારીને પોતાનુ ધ્યેય સાકાર કરવાનુ છે અને અમૃતકાલમાં ડેરી ક્ષેત્રને એક નવા ઉંચા સ્થાને લઈ જવાનો છે.

ઈન્ડીયન ડેરી એસોસિએશનના પ્રમુખ આર.એસ. સોઢીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે “છેલ્લે ડેરી ઉદ્યોગની કોન્ફરન્સ 1996માં આણંદમાં યોજાઈ હતી. એ પછી ડેરી ક્ષેત્રે અજોડ વિકાસ હાંસલ કર્યો છે. એ સમયે ભારતમાં દૂધ ઉત્પાદન 71 મિલિયન ટન હતુ તે હવે વધીને 222 ટન સુધી પહોંચ્યુ છે. ભારતમાં દૂધ ઉત્પાદન 3 ગણુ વધ્યુ છે, જ્યારે ગુજરાતમાં ઉત્પાદન 9 ગણું વધ્યું છે જે દૈનિક 30 લાખ લીટરથી વધીને 270 લાખ લીટર થયું. ડેરી ક્ષેત્રે આત્મનિર્ભર અને કાર્યક્ષમ સપ્લાય ચેઈન બનીને તથા માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને આપણે ડેરી ઉદ્યોગની વૃધ્ધિમાં યોગદાન આપી શકીએ તેમ છીએ”

ઉદ્ઘાટન બેઠકમાં ડેરી ઈન્ડસ્ટ્રી કોન્ફરન્સના એક સ્મૃતિચિહ્નનું વિમોચન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ડેરી ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓ અંને સંસ્થાઓનુ બહુમાન કરવામાં આવ્યુ હતું. ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસીડેન્ટ પીરક્રીસ્ટીઆનો બ્રેઝેલ વિશ્વમાં ડેરી ક્ષેત્રની સ્થિતિ  અંગે પોતાના વિચાર વ્યકત કર્યા હતા.

નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદે જણાવ્યુ કે દૂધ અને દૂધનાં ઉત્પાદનો દેશમાં પોષણની જરૂર સંતોષવામાં મહત્વની કામગીરી બજાવે છે.

સમારંભનુ મુખ્ય પ્રવચન આપતાં નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું કે “આપણી પાસે વિઝન 2047ની બ્લુ પ્રિન્ટ તૈયાર છે. આપણે તે હાંસલ કરવા માટે આપણી એકરૂપતા (સીનર્જી)ને કામે લગાડવાની છે. આ પરિવર્તનલક્ષી મજલમાં હું આપનુ સ્વાગત કરૂ છું”

કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન અમિતશાહ, તા.18મી માર્ચના રોજ 10-30 કલાકે યોજાનાર ઈન્ડીયન ડેરી સમિટના મુખ્ય મહેમાન છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પરશોત્તમ રૂપાલા, રાજ્યના પ્રધાન જગદીશ વિશ્વકર્મા, એનડીડીબીના ચેરમેન મિનેશ શાહ,  પશુપાલન અને ડેરી સચિવ રાજેશ કુમાર સિંઘ, ઉપરાંત ઈન્ટરનેશનલ ડેરી ઈન્ડસ્ટ્રીના પ્રેસીડેન્ટ પીરક્રીસ્ટીઆનો બ્રેઝેલ આ પ્રસંગે માનવંતા મહેમાન તરીકે હાજરી આપશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code