નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેનાને મજબૂત બનાવવા માટે મોટું પગલું ભર્યું છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) સાથે 97 તેજસ એમકે-૧એ યુદ્ધ વિમાનની ખરીદી માટે 62370 કરોડ રૂપિયાનો ભવ્ય કરાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (CCS)એ ગયા મહિને આ ખરીદી માટે મંજૂરી આપી હતી. આ HAL સાથેનો બીજો મોટો કરાર છે. ફેબ્રુઆરી 2021માં પણ સંરક્ષણ મંત્રાલયે 83 તેજસ એમકે-1એ જેટ માટે 48000 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. નવા કરાર મુજબ આ અદ્યતન યુદ્ધ વિમાનો અને સંબંધી ઉપકરણો 2027-28થી ભારતીય વાયુસેનામાં સામેલ થવા શરૂ થશે.
મંત્રાલયે માહિતી આપી છે કે આ વિમાનોમાં 64 ટકા કરતાં વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં 67 નવા સ્વદેશી ઉપકરણો પણ હશે. આ વિમાનો સ્વયં રક્ષા કવચથી સજ્જ હશે, જે તેમને વધારે સુરક્ષિત બનાવશે. સિંગલ એન્જિન ધરાવતા તેજસ એમકે-1એ વિમાનો ધીમે ધીમે મિગ-૨૧ને બદલી દેશે. હાલ વાયુસેનાની ફાઇટર સ્કવાડ્રનની સંખ્યા 31 છે, જ્યારે સત્તાવાર મંજૂર સંખ્યા 42 હોવી જોઈએ. તેજસ બહુવિધ ભૂમિકા ભજવી શકતું યુદ્ધ વિમાન છે અને વધારે જોખમવાળા હવાઇ ક્ષેત્રમાં પણ કાર્યક્ષમ છે.