વોશિંગ્ટન, 31 ઓગસ્ટ 2026: વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને અનેક પ્રકારના વૈશ્વિક સંકટો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાએ પોતાની મજબૂતાઈ પૂરવાર કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શિકાગોમાં પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારે વૈશ્વિક ઘટનાઓ પર સતત નજર રાખવાની સાથે-સાથે હંમેશાં દેશની ઘરેલુ જરૂરિયાતોને પ્રાથમિકતા આપી છે. આ જ નીતિગત સૂઝબૂઝનું પરિણામ છે કે વૈશ્વિક સંકટો છતાં દેશના ખેડૂતો, પરિવારો અને લોજિસ્ટિક્સ વ્યવસ્થા સંપૂર્ણપણે સુરક્ષિત રહી છે.
નાણામંત્રીએ દાવો કર્યો છે કે કોવિડ-19 મહામારી બાદથી ભારતે સતત 7 ટકાથી વધુની જીડીપી ગ્રોથ રેટ જાળવી રાખ્યો છે અને ચાલુ વર્ષે પણ વિકાસ દર આ જ દાયરામાં રહેશે. કોવિડ, રશિયા-યુક્રેન યુદ્ધ, ટેરિફ અનિશ્ચિતતાઓ અને પશ્ચિમ એશિયાના તણાવ જેવા પડકારો છતાં દેશે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. નાણામંત્રીએ રાજકોષીય શિસ્ત વિશે વાત કરતા જણાવ્યું કે સરકારનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં સરકારી ધિરાણને જીડીપીના 50 ટકાના સ્તરે લાવવાનું છે. અનેક વિકસિત દેશોનું દેવું આજે તેમની જીડીપીના 200 ટકાથી વધુ છે, જ્યારે ભારતે વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધને મર્યાદિત કરવાના લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસલ કરી લીધો છે.
-
સામાજિક કલ્યાણ અને ક્રેડિટ રેટિંગ
નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે સામાજિક કલ્યાણ યોજનાઓના ભંડોળમાં કોઈ કાપ મૂક્યા વિના જ યોગ્ય આર્થિક સંચાલનના બળે દેશનું ક્રેડિટ રેટિંગ સુધારવામાં આવી રહ્યું છે, જેથી જનકલ્યાણકારી યોજનાઓ પર કોઈ વિપરીત અસર ન પડે. વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને સાકાર કરવા માટે સુધારાઓની ગતિ વધારવા પર ભાર મૂકતા નાણામંત્રીએ પ્રવાસી ભારતીયો પાસે ત્રણ બાબતોમાં સહયોગ માંગ્યો છે: વૈશ્વિક અનુભવ ધરાવતી પ્રતિભાઓ, દેશને આગળ ધપાવવા માટેના નવા વિચારો અને મૂડી રોકાણ.
અમેરિકા સાથેના લાંબા સમયથી પ્રતીક્ષિત દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે આ કરાર હવે અંતિમ તબક્કામાં છે, જે બંને દેશો વચ્ચેના વ્યાપારી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં જી-20 નાણામંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ઉત્તરી કેરોલિનાના એશવિલે શહેરમાં પહોંચ્યા છે. પશ્ચિમ એશિયા અને યુરોપના સંઘર્ષોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહેલી આ બેઠક તેમની નવ દિવસીય વ્યાપક વિદેશ યાત્રાનો ભાગ છે, જે અંતર્ગત તેઓ અમેરિકામાં છે.


