Homeગુજરાતીદેશ-વિદેશનેપાળમાં જળપ્રલયમાં મૃતકોનો આંકડો વધીને 900ને પાર અને 4247 ગુમ, બીજીવાર પૂરનું...

નેપાળમાં જળપ્રલયમાં મૃતકોનો આંકડો વધીને 900ને પાર અને 4247 ગુમ, બીજીવાર પૂરનું જોખમ

કાઠમંડુ, 31 ઓગસ્ટ 2026: નેપાળમાં આવેલા વિનાશક પૂરે હાહાકાર મચાવ્યો છે. નેપાળના નેશનલ ડિઝાસ્ટર ઓથોરિટી દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, દેશમાં પૂર અને આફતને કારણે અત્યાર સુધીમાં 903 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે 4,247 લોકો હજુ પણ ગુમ છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 10,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 267 લોકો ઘાયલ થયા છે. બીજી બાજુ, પડોશી દેશ ચીને આ આપત્તિમાં 16 લોકોના મોત અને 500થી વધુ લોકો લાપતા હોવાની માહિતી આપી છે.

રાષ્ટ્રીય આપત્તિ સત્તામંડળના જણાવ્યા અનુસાર, નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ વિવિધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગો (ટનલ)ની અંદર 933 જળવિદ્યુત પ્રોજેક્ટ કર્મચારીઓ ફસાયા હોવાની આશંકા છે. આ તમામ લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી રહી છે. નેપાળના મધ્ય ભાગમાં આવેલી ત્રિશૂલી નદીમાં અચાનક પૂર આવવાથી ગંડકી પ્રદેશના ગોરખા જિલ્લાનો એક મહત્વપૂર્ણ સસ્પેન્શન બ્રિજ (ઝૂલતો પુલ) તણાઈ ગયો હતો. આ પુલ ગંડકી ગ્રામીણ નગરપાલિકા-8 ના ઘ્યાલચોકને પૃથ્વી હાઈવે પાસેના ચરોંદી સાથે જોડતો હતો. અંદાજે ત્રણ કલાક સુધી રહેલા આ ઘાતક પૂરના પ્રવાહમાં પુલ વહી જવાથી ગંડકી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 7 અને 8 ના અંદાજે 400 પરિવારોનો પૃથ્વી હાઈવે સાથેનો સંપર્ક તૂટી ગયો છે.

  • બીજી વખત પૂર આવવાનું જોખમ, બચાવ અભિયાન પડકારજનક

નેપાળી અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભોટેકોશી નદીમાં કાટમાળ અને મલબાના જમા થવાથી એક કુદરતી ડેમ કે સરોવર જેવું નિર્માણ થયું છે. જો આ કુદરતી અવરોધ તૂટે છે, તો ફરીથી ગંભીર પૂર આવવાનું જોખમ સર્જાઈ શકે છે. ચીને પણ તિબેટમાં આવી જ કુદરતી ઝીલને લઈને ખતરાની ઘંટી બજાવી છે. આ સંભવિત બીજી આફતના કારણે ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી સામે મોટા પડકારો ઊભા થયા છે.

આ મહાઆપત્તિ સામે પહોંચી વળવા નેપાળમાં મોટા પાયે બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ બળ અને નેપાળ પોલીસના 13,000થી વધુ સુરક્ષાકર્મીઓ કામે લાગ્યા છે. ફસાયેલા નાગરિકોને રેસ્ક્યુ કરવા તથા ભોજન, દવાઓ અને આવશ્યક રાહત સામગ્રી પહોંચાડવા માટે હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવી રહી છે. સરકારી હેલિકોપ્ટર ઉપરાંત ખાનગી હેલિકોપ્ટરો અને ડઝનેક ચાર્ટર ફ્લાઇટ્સ દ્વારા પણ પ્રભાવિત વિસ્તારોમાં સહાય પહોંચાડાઈ રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular