નવી દિલ્હી, 31 ઓગસ્ટ, 2026 – દિલ્હી-NCRમાં ફરી એકવાર નિર્ભયા જેવી બર્બરતાની ઘટના બની છે. એક સગીર વયની છોકરી સાથે ચાલતી બસમાં દુષ્કર્મનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં બસના ડ્રાઇવર અને કંડક્ટર પર આરોપ મૂકવામાં આવ્યો છે.
મીડિયા અહેવાલ અનુસાર આ બાબત 4 ઓગસ્ટની હોવાનું કહેવાય છે, જ્યારે મૈનપુરી જિલ્લાની 11મા ધોરણમાં અભ્યાસ કરતી એક દીકરી કોઈ વાત પર ઘરમાંથી નારાજ થઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. તે નોઈડામાં રહેતા તેના પિતરાઈ ભાઈના ઘરે જઈ રહી હતી. તે દિવસે ભારે વરસાદ અને અંધારું હતું, જેના કારણે તે પોતાના ગંતવ્ય સ્થાનના બદલે પરી ચોક પર જ ઉતરી ગઈ. આ દરમિયાન એક ખાલી સ્લીપર બસ ત્યાંથી પસાર થઈ ત્યારે છોકરીએ બસને રોકાવા માટે ઈશારો કર્યો. બસમાં બેઠેલા કંડક્ટરે જણાવ્યું કે તે તેને નોઈડા સેક્ટર 63 ખાતે ઉતારી દેશે.
આરોપ છે કે બસ ઉપડ્યાના થોડા સમય બાદ કંડક્ટરે પીડિતા સાથે અશ્લીલ હરકતો કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ ડ્રાઈવર અને કંડક્ટરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેણે વિરોધ કર્યો તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીઓ પીડિતાને મોડી રાત્રે કશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ નજીક રિંગ રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા.
વિદ્યાર્થિનીએ ઘાયલ હાલતમાં પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી, જે બાદ પોલીસે આરોપીઓની તિમારપુર બસ પાર્કિંગમાંથી ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ દ્વારા બસની ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસે છોકરીના પરિવારજનોને દિલ્હી બોલાવ્યા હતા અને છોકરીને તેમને સોંપી હતી.
બસમાં લાગેલા હતા ઘેરા રંગના પડદા
પોલીસે જણાવ્યું કે આરોપીઓ બસમાં ખામી સર્જાયા બાદ સૂરજપુરના વર્કશોપમાં રિપેરિંગ માટે લઈ ગયા હતા અને પછી ખાલી બસને તિમારપુર લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પરી ચોક પર વિદ્યાર્થિની તેમને મળી હતી. પરી ચોકથી કશ્મીરી ગેટ સુધી બસે લગભગ 47 કિલોમીટરની મુસાફરી કરી અને છોકરી સાથે બર્બરતા કરવામાં આવી. બસમાં પડદા લાગેલા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થતી કોઈપણ વ્યક્તિને બસની અંદર કંઈ દેખાયું નહોતું.
સમગ્ર રસ્તા દરમિયાન તેમનું ક્યાંય પોલીસ ચેકિંગ થયું નહોતું અને તેઓ આ ઘટનાને સરળતાથી અંજામ આપીને તિમારપુર જતા રહ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે બસો માટે નક્કી કરાયેલા નિયમો માત્ર કાગળ પર જ રહ્યા છે, હજુ પૂરી રીતે અમલમાં આવ્યા નથી. આટલા મોટા એક્સપ્રેસવે પર ક્યાંય પણ પોલીસ બેરિકેડિંગ નહોતું.
કમર્શિયલ બસો માટે શું છે નિયમો?
દિલ્હી એનસીઆરમાં ડ્રાઈવર-કંડક્ટરનું પોલીસ વેરિફિકેશન અને યુનિફોર્મ પર નેમ પ્લેટ હોવી ફરજિયાત છે, પરંતુ તેનું કેટલું પાલન થઈ રહ્યું છે તે તમે આ ઘટના પરથી સમજી શકાય છે. આ સાથે જ બસોમાં વિઝિબિલિટી રોકવા પર પ્રતિબંધ છે, અર્થાત પારદર્શક કાચ હોવા જોઈએ અને પડદા બંધ ન હોવા જોઈએ પરંતુ આ બસમાં ઘેરા રંગના પડદા લાગેલા હતા, જેના કારણે અંદર શું થઈ રહ્યું છે તે જાણી શકાયું નહોતું.
કટોકટીની સ્થિતિમાં તરત જ મદદ માગવા માટે બસોમાં પેનિક બટન હોવું ફરજિયાત છે, જે કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ હોય છે. બસોમાં સીસીટીવી (CCTV) ફરજિયાત કરવાની વાતો લાંબા સમયથી કરવામાં આવી રહી છે પરંતુ આ પણ હજુ સુધી તમામ બસોમાં લાગુ થઈ શક્યું નથી. બસોનું લાઈવ લોકેશન ટ્રેક કરવા માટે તેમાં જીપીએસ (GPS) સિસ્ટમ લગાવવી પણ જરૂરી છે, પરંતુ અવારનવાર આ અંગે પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે.


