Site icon Revoi.in

ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન્ડ અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ, ‘નિસ્તાર’ સોંપવામાં આવ્યું

Social Share

બેંગ્લોરઃ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડે વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય નૌકાદળને પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન્ડ અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ, ‘નિસ્તાર’ સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના વર્ગીકરણના નિયમો અનુસાર ડિઝાઇન કરી બનાવવામાં આવ્યું છે. આ જહાજ ખૂબ જ વિશિષ્ટ છે અને ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને બચાવ કામગીરી કરી શકે છે – જે ક્ષમતા વિશ્વભરના પસંદગીના નૌકાદળો પાસે છે.

જહાજનું નામ ‘નિસ્તાર’ સંસ્કૃત ભાષા પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ મુક્તિ, બચાવ અથવા મોક્ષ થાય છે. 118 મીટર લાંબુ અને લગભગ 10,000 ટન વજન ધરાવતું આ જહાજ અત્યાધુનિક ડાઇવિંગ સાધનોથી સજ્જ છે અને 300 મીટરની ઊંડાઈ સુધી સમુદ્રમાં ડાઇવ કરવા માટે સક્ષમ છે. આ જહાજમાં 75 મીટરની ઊંડાઈ સુધી ડાઇવિંગ કામગીરી કરવા માટે સાઇડ ડાઇવિંગ સ્ટેજ પણ છે.

આ જહાજ પાણીની અંદર સબમરીનમાં કટોકટીની સ્થિતિમાં કર્મચારીઓને બચાવવા અને બહાર કાઢવા માટે ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વેસલ (DSRV) માટે ‘મધર શિપ’ તરીકે પણ કામ કરશે. આ જહાજ 1000 મીટરની ઊંડાઈ સુધી ડાઇવર સર્વેલન્સ અને બચાવ કામગીરી હાથ ધરવા માટે રિમોટ સંચાલિત વાહનોના સંયોજનથી સજ્જ છે.

લગભગ 75% સ્વદેશી સામગ્રી ધરાવતા નિસ્તાર જહાજનો પુરવઠો, ભારતીય નૌકાદળના સ્વદેશી ઉત્પાદન પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ પ્રયાસ છે અને ભારત સરકારના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાનના વિઝન સાથે સુસંગત છે.