1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના ઈનકાર છતાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે: ICC પ્રોટોકોલનું કરશે પાલન
પાકિસ્તાનના ઈનકાર છતાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે: ICC પ્રોટોકોલનું કરશે પાલન

પાકિસ્તાનના ઈનકાર છતાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે: ICC પ્રોટોકોલનું કરશે પાલન

0
Social Share

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાને ભારત સામે રમવાનો બહિષ્કાર જાહેર કર્યો હોવા છતાં, ભારતીય ક્રિકેટ ટીમ પોતાના મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. અહેવાલ મુજબ, ભારતીય ટીમ ICC ના તમામ પ્રોટોકોલનું પાલન કરશે અને 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચ માટે શ્રીલંકાના પ્રવાસે જશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય ટીમ આ મુકાબલાને લઈને કોઈ પણ કચાસ રાખવા માંગતી નથી. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ટીમ ઇન્ડિયા નક્કી કરેલા શિડ્યુલ મુજબ પ્રેક્ટિસ સેશન યોજશે અને મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે. મેચના દિવસે ટીમ સમયસર સ્ટેડિયમ પહોંચશે અને જ્યાં સુધી મેચ રેફરી સત્તાવાર રીતે મુકાબલો રદ કરવાની અથવા ભારતને વિજેતા જાહેર કરવાની જાહેરાત ન કરે ત્યાં સુધી રાહ જોશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, જો પાકિસ્તાન ટીમ મેદાન પર નહીં આવે, તો આઈસીસીના નિયમો અનુસાર ભારતને વોકઓવર મળશે અને બે મહત્વના અંક એનાયત કરવામાં આવશે. પાકિસ્તાન ગ્રુપ-A માં ભારત, નામિબિયા, નેધરલેન્ડ અને અમેરિકા સાથે છે. પાકિસ્તાને ૭ ફેબ્રુઆરીએ નેધરલેન્ડ સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે, પરંતુ ભારત સામેના બહિષ્કારના નિર્ણયથી તેના સેમીફાઈનલના સમીકરણો બગડી શકે છે. ભારતીય ટીમ હાલ પ્રચંડ ફોર્મમાં છે. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડને ટી20 શ્રેણીમાં 4-1 થી પછાડ્યા બાદ ટીમનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. વર્લ્ડ કપના ઈતિહાસની વાત કરીએ તો, ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 8 વખત સામસામે ટકરાયા છે, જેમાંથી 7 વખત ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 1 વાર જીતી શક્યું છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) અને ટીમનું આ વલણ સ્પષ્ટ કરે છે કે તેઓ રમતને રાજકારણથી દૂર રાખીને નિયમો મુજબ આગળ વધવા માંગે છે. હવે આખી દુનિયાની નજર 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ પર રહેશે.

આ પણ વાંચોઃ બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ અને 25 વર્ષનો રોડમેપ દર્શાવે છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code