નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ‘પરચેઝિંગ પાવર પેરિટી’ (PPP)ના સંદર્ભમાં ભારતીય અર્થતંત્રનું કદ અંદાજે 20 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. તેમણે ઉમેર્યું કે ભારત 30 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે.
નવી દિલ્હીમાં યોજાયેલા 13મા ‘PAFI વાર્ષિક ફોરમ 2026’માં સંબોધન કરતા ગોયલે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક બજારો સાથેનું પોતાનું જોડાણ મજબૂત કરવા અને વેપાર તથા આર્થિક ભાગીદારી માટે નવી તકો શોધવા પ્રયાસ કરી રહ્યું છે. કેનેડા, ચિલી, પેરુ, મેક્સિકો, રશિયા, મધ્ય એશિયા, જીસીસી (GCC) અને ઇઝરાયેલ સહિતના અનેક દેશો અને સમૂહો સાથે વેપાર અંગેની વાટાઘાટો ચાલી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે આ પ્રયાસોનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક મૂલ્ય અને પુરવઠા શૃંખલાઓ (global value and supply chains) સાથે વધુ મજબૂતીથી જોડવાનો અને માલસામાન તથા સેવાઓની અવરજવરને સરળ બનાવવાનો છે.
પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં ભારતનો વાર્ષિક સેમિકન્ડક્ટર વપરાશ 150 અબજ ડોલરથી વધી જવાની અપેક્ષા છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડીપ-ટેક અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ક્ષમતા વિકસાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
વધુ વાંચો: ચિત્તોડગઢ પોલીસનો માસ્ટર પ્લાન: ત્રણ ટ્રકમાંથી 18.39 ક્વિન્ટલ ગાંજો જપ્ત, 7 તસ્કરો ઝડપાયા


