ભારતની કોવિડ-19 રસીના સર્ટિફિકેટને 30 દેશોએ આપી માન્યતા
દિલ્હીઃ દેશમાં હાલ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ ત્યાર સુધીમા સમગ્ર દેશમાં 73 લાખથી વધારે લોકોને રસી પીને સલામત કરવામાં આવ્યાં છે. કોરોનાની બીજી લહેર બાદ હવે હવાઈ સેવાઓ શરૂ થઈ છે.ત્યારે દુનિયાના એક-બે નહીં પરંતુ 30 જેટલા રાષ્ટ્રોએ ભારતીય વેક્સિન સર્ટીફિકેટને માન્યતા આપી છે. જેમાં બ્રિટેનનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ફ્રાન્સ, જર્મની, નેપાળ, બેલારુસ, લેબેનોન, આર્મેનિયા, યુક્રેન, બેલ્જિયમ, હંગેરી અને સર્બિયાનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના અને ચીન એવા કેટલાક દેશો છે કે જેમના પ્રવાસીઓને ભારત આવવા માટે જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. આમાં ભારત પહોંચ્યા બાદ કોવિડ ટેસ્ટ કરાવવો પણ જરૂરી છે. તાજેતરમાં જ, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે “COVID-19 રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા શરૂ થાય છે. ભારત અને હંગેરી એકબીજાના COVID-19 રસીકરણ પ્રમાણપત્રોને માન્ય કરવા માટે સંમત છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશની જનતાને કોરોનાની રસી મળી રહે તે માટે રસકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ બાળકોની રસીને લઈને પરિક્ષણ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં બાળકોની રસી પણ ઉપલબ્ધ થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હજુ કોરોનાનો ખતરો ઘટ્યો નહીં હોવાથી તહેવારોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.