ભારતની ઈરાનને મદદ: તબીબી સહાયનો પ્રથમ જથ્થો તેહરાન પહોંચ્યો
નવી દિલ્હી, 18 માર્ચ 2026: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈઝરાયેલ સાથે યુદ્ધ જેવી સ્થિતિમાં ઘેરાયેલા ઈરાનની મદદે ભારત આવ્યું છે. ભારતે માનવતાના ધોરણે ઈરાનને તબીબી સહાયની પ્રથમ ખેપ મોકલી આપી છે. ઈરાની દૂતાવાસ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે ભારત તરફથી મળેલી દવાઓ અને તબીબી ઉપકરણોનો જથ્થો ‘ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટી’ને સુપરત કરવામાં આવ્યો છે. આ સહાય માટે ઈરાને ભારતના દયાળુ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.
ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ બંને દેશો વચ્ચેના સંબંધોને અત્યંત ગાઢ ગણાવતા કહ્યું કે, “ભારત અમારો સાચો મિત્ર દેશ છે અને બંને દેશોના હિતો સમાન છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે અન્ય ઘણા દેશોએ સહયોગ કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે ભારતે જહાજોના મામલે અને તબીબી સહાય આપીને ઈરાનની વિનંતીનો સ્વીકાર કર્યો છે. તેમણે અન્ય દેશોને ચેતવણી આપતા કહ્યું કે જે દેશોએ સહકાર આપ્યો નથી તેમને ઈરાન યોગ્ય સમયે જડબાતોડ જવાબ આપશે.
ઈરાન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર માહિતી આપી હતી કે, ઈરાનમાં પ્રભાવિત નાગરિકોની મદદ કરવા માટે અસંખ્ય ભારતીય ભાઈ-બહેનોએ દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. લોકોની આ અપીલને ધ્યાનમાં રાખીને દૂતાવાસે દિલ્હીમાં એક બેંક ખાતું જાહેર કર્યું હતું જેથી લોકો આર્થિક મદદ મોકલી શકે.
જોકે, 15 માર્ચના રોજ કરવામાં આવેલી પોસ્ટ મુજબ, હાલમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓને કારણે ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડી રહી છે. દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે GPay (Google Pay) દ્વારા પેમેન્ટ કામ કરી રહ્યું નથી, તેથી લોકોએ તેનો ઉપયોગ ન કરવો. જે નાગરિકો મદદ કરવા ઈચ્છતા હોય તેઓ સીધા દૂતાવાસ આવીને રોકડમાં પોતાની સહાય જમા કરાવી શકે છે. દૂતાવાસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.
ભારતની આ પહેલથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી સાબિત થયું છે કે મુશ્કેલ સમયમાં ભારત હંમેશા માનવતાવાદી અભિગમ સાથે પોતાના મિત્ર દેશોની પડખે ઊભું રહે છે.
આ પણ વાંચોઃ અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઘરે પરત ફરવા માટે 2,600 ડોલર બોનસ આપવાની દરખાસ્ત કરી


