મોંઘવારીનો ડામ: જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 9.87% થયો, મિડલ ઈસ્ટ સંકટની સીધી અસર
નવી દિલ્હી, 14 જુલાઈ 2026: ખાદ્ય અને બિન-ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં થયેલા તીવ્ર વધારાને કારણે જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI)વધીને 9.87 ટકાની સપાટીએ પહોંચી ગયો છે, જે મે મહિનામાં 9.68 ટકા હતો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય તંગદિલી અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીના કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈનને માઠી અસર થઈ છે. ભારત તેના મોટાભાગના ક્રૂડ ઓઈલની આયાત આ જ રૂટથી કરતું હોવાથી તેની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જથ્થાબંધ મોંઘવારીમાં સતત આઠમા મહિને વધારો નોંધાયો છે. મંત્રાલયે જણાવ્યું કે જૂન 2026ના આંકડા પર મિનરલ ઓઈલ (પેટ્રોલિયમ ઉત્પાદનો), ખાદ્ય પદાર્થો, ઉત્પાદિત મૂળ ધાતુઓ અને રાસાયણિક ઉત્પાદનોના ભાવ વધારાની વ્યાપક અસર પડી છે, જેના માટે આધાર વર્ષ 2022-23 નક્કી કરાયું છે.
મંત્રાલયના આંકડા અનુસાર, ફ્યુઅલ અને પાવર કેટેગરીમાં થોક મોંઘવારી જૂનમાં ઘટીને 27.41 ટકા રહી હતી, જે મે મહિનામાં 30.33 ટકા હતી. જોકે ખાદ્ય વસ્તુઓમાં મોંઘવારી જૂનમાં વધીને 5.49 ટકા થઈ ગઈ છે, જે મે મહિનામાં 3.60 ટકા હતી. બિન-ખાદ્ય વસ્તુઓમાં જથ્થાબંધ મોંઘવારી 11.07 ટકા અને મિનરલ્સ કેટેગરીમાં 9.45 ટકા નોંધાઈ છે. જ્યારે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સની કેટેગરીમાં થોક મોંઘવારી મે મહિનાની જેમ જૂનમાં પણ 7.48 ટકા પર સ્થિર રહી છે. આ કેટેગરીમાં 24 માંથી 22 મેન્યુફેક્ચરિંગ ગ્રૂપ્સની કિંમતોમાં વધારો થયો છે, જેમાં બેઝિક મેટલ્સ, કેમિકલ્સ અને ફૂડ પ્રોડક્ટ્સ મુખ્ય છે, જ્યારે ફાર્માસ્યુટિકલ્સ અને ફેબ્રિકેટેડ મેટલ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તમામ કમોડિટીઝનો WPI ઇન્ડેક્સ મેના 109.9 થી વધીને જૂનમાં 110.2 થયો છે. પ્રાઇમરી આર્ટિકલ્સનો ઇન્ડેક્સ 113.7 થી વધીને 116.1 થયો છે, જ્યારે ફ્યુઅલ અને પાવરનો ઇન્ડેક્સ 113.0 થી ઘટીને 111.1 થયો છે.
-
રિટેલ મોંઘવારી દર પણ જૂનમાં 17 મહિનાની ઊંચી સપાટીએ
જૂન મહિનાનો આ ડેટા નવા સુધારેલા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) સિરીઝ પર આધારિત છે, જે અર્થતંત્રના વાસ્તવિક માળખાને દર્શાવવા માટે સરકારે તાજેતરમાં શરૂ કર્યો છે. આ નવી સિરીઝમાં કોમોડિટી બાસ્કેટને જૂના 2011-12 બેઝ યરના 697 આઈટમ્સથી વધારીને 957 આઈટમ્સ કરવામાં આવી છે, જેમાં સોલાર, વિન્ડ અને ન્યુક્લિયર એનર્જી જેવા નિકાસક્ષમ સેક્ટર્સનો સમાવેશ કરાયો છે. સરકારે એપ્રિલ 2026 માટેના ફાઈનલ WPI મોંઘવારીના અંદાજને પણ 8.26 ટકાથી સુધારીને 8.36 ટકા કર્યો છે. બીજી તરફ, રિટેલ મોંઘવારી દર પણ જૂનમાં 17 મહિનાની ઊંચી સપાટી એટલે કે 4.38 ટકા પર પહોંચી ગયો છે, જે અગાઉના મહિનામાં 3.93 ટકા હતો. ભારતીય રિઝર્વ બેંક મોનેટરી પોલિસી નક્કી કરતી વખતે મુખ્યત્વે ગ્રાહક મોંઘવારીને ધ્યાનમાં રાખે છે. સરકારે આરબીઆઈને ચાર ટકાની આસપાસ મોંઘવારી જાળવી રાખવાની જવાબદારી સોંપી છે, પરંતુ વૈશ્વિક ઊર્જા કિંમતોમાં વધારાને કારણે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો અંદાજ 4.6% થી વધારીને 5.1% કર્યો છે.


