ગાંધીનગર, 13 જુલાઈ, 2026 : Fire in a truck running on Adalaj-Tarapur highway ગાંધીનગરના અડાલજ-તારાપુર હાઈવે પર ગઈકાલે વહેલી સવારે ચાલતી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી ટ્રકના ચાલકે ટ્રકને રોડ સાઈડ પાર્ક કરીને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સમયસૂચકતા વાપરીને ટ્રક ચાલક અને ક્લીનર તાત્કાલિક બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી ગઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, સોમવારે વહેલી સવારે હાઈવે પર વાહનોની અવરજવર સામાન્ય હતી.ત્યારે અડાલજ-તારાપુર રોડ પરથી પસાર થઈ રહેલી એક માલવાહક ટ્રકમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. ટ્રકની પાછળના ભાગમાંથી ધુમાડા નીકળતા જોઈ ડ્રાઈવરે તુરંત જ ટ્રકને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી. જો કે, થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગના લીધે ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા. આ ભીષણ આગ દરમિયાન ટ્રકના ટાયર એક પછી એક પ્રચંડ ધડાકા સાથે સળગી ગયા હતા, જેના કારણે આસપાસના લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આગનું રૌદ્ર સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક હાઈવે પરની બન્ને તરફના રસ્તાનો ટ્રાફિક બંધ કરી દીધો હતો. બાદમાં ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગ શાંત પડ્યા બાદ વાહનવ્યવહારને પુનઃ કાર્યરત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ટ્રકને નુકસાન થયું છે પરંતુ કોઈપણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ ન થતાં તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.


