મહેસાણા, 14 જુલાઈ, 2026 : Trader stabbed and robbed of ₹1.5 lakh in cash and 10 tolas of gold શહેર નજીક આવેલા ખેરવા ગામે ભરબપોરે વેપારીને આંખમાં મરચાનો પાવડર નાંખીને રૂપિયા દોઢ લાખની રોકડ અને 10 તોલા સોનાના દાગીનાની લૂંટ કરીને લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ અને એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ લૂંટના બનાવની વિગત એવી છે કે, મહેસાણા તાલુકાના ખેરવા ગામની ઓઝોન સોસાયટીમાં રહેતા અને લાતી ચલાવતા વેપારી રમેશભાઈ પટેલ નામના આધેડ બપોરે આશરે 2 વાગ્યાના અરસામાં ખેરવા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાંથી 10 તોલા સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ એક બેગમાં મૂકીને પોતાના બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે બેંકથી માંડ 300 મીટર દૂર ગામના ચોકની એક ગલીમાં અગાઉથી ટાંપીને બેઠેલા 4 જેટલા લૂંટારુઓ બાઇક અને સ્કૂટર પર ધસી આવ્યા હતા. લૂંટરાઓએ સૌથી પહેલાં વેપારી રમેશભાઈની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં તેમના હાથમાં છરો માર્યો હતો . હુમલો એટલો ઘાતકી હતો કે દોઢ ફૂટનો છરો તેના હાથની આરપાર નીકળી ગયો હતો. લૂંટારુઓ ક્ષણભરમાં દાગીના અને રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ હિંમતભેર બાઇક ચલાવીને ગલીમાંથી મુખ્ય રોડ પર આવ્યા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ દ્રશ્યો જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા અને રમેશભાઈને ખાનગી વાહનમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.
આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને ગુનેગારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ પોલીસે ક્રેડિટ સોસાયટી તેમજ ગામના અન્ય વ્યૂહાત્મક સ્થળોએ લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને અજાણ્યા લૂંટારુઓનું પગેરું દબાવવા માટે સઘન તપાસ શરૂ કરી છે.
આ અંગે લૂંટનો ભોગ બનેલા રમેશભાઈ પટેલે જણાવ્યું કે, હું ઘરેથી ક્રેડિટ બેંકમાં ગયો હતો. જ્યાં લોકરમાં રાખેલા 10 તોલા દાગીના અને દોઢ લાખ રૂપિયા રોકડ લઈને નીકળ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી સીધો આવી રહ્યો હતો ત્યારે ગલીના નાકા ઉપર જ સામેથી આવીને લૂંટારાઓએ સીધું મરચું જ નાખ્યું હતું. ત્યાર પછી મારી તેની સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન લૂંટારાઓએ મને ચપ્પુ મારી દીધું હતું.


