ગુજરાત યુનિ.માં ઈન્ફોર્મેશન સેન્ટર સમયસર શરૂ ન થતાં બહારગામથી આવતા વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ સંલગ્ન કોલેજો માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. એડમિશન લેવા મુદ્દે કોઈ મુશ્કેલી આવે ત્યારે વિદ્યાર્થીઓ માટે યુનિ. દ્વારા ઈન્ફોર્મેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક કોર્સ માટે એડમિશન બારી મોડી ખુલે છે તો કેટલાક કોર્સ માટે બારી ખુલતી જ નથી. જેથી બહારગામથી એડમિશન માટે માહિતી મેળવવા આવેલા વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ઈન્ફોર્મેશન સેન્ટર પરથી એડમિશન સહિત વિવિધ કોર્સને લગતી માહિતી મળે છે. એડમિશન શરૂ થતાંની સાથે જ આ સેન્ટર પર અલગ અલગ વિન્ડો શરૂ કરવામાં આવી છે. આ વિન્ડોમાં અલગ અલગ કોર્સ માટેની માહિતી આપવામાં આવે છે. પરંતુ લૉ ફેકલ્ટીમાં વિન્ડો એક વાગ્યા બાદ શરૂ થાય છે. જ્યારે MSC ફેકલ્ટી માટે વિન્ડો રાખવામાં જ નથી આવી. જેથી વિદ્યાર્થીઓ પરેશાન થયાં છે. બહારગામથી આવેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મારા રજિસ્ટ્રેશનમાં નામ ખોટું લખ્યું છે. જેથી હું સુધારવા માટે પોરબંદરથી અમદાવાદ આવ્યો છું.ગુજરાત યુનિવર્સિટી ઇન્ફોર્મેશન સેન્ટર પર ગયો પરંતુ ત્યાં લૉ વિભાગની વિન્ડો બંધ છે. જેથી વિન્ડો શરૂ થવાની રાહ જોઈ રહ્યો છું. આ અંગે લૉ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટાફની અછત હોવાને કારણે આજે વિન્ડો મોડા શરૂ કરીએ છીએ. વિદ્યાર્થીઓને મુશ્કેલી નહિ પડે તેની પૂરી તકેદારી અમે રાખી રહ્યા છીએ. જ્યારે MSCના ડીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ જાણ્યા જોયા વિના જ ગુજરાત યુનિવર્સિટી પહોંચી જાય છે. જે વિદ્યાર્થીઓને તકલીફ હોય તેમને અમે ઓનલાઇન જવાબ આપી છીએ. વિદ્યાર્થીઓએ તકલીફ હોય તો મેલ કરવાનો રહેશે. હજુ કાલથી જ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે તો હવે MSC માટે વિન્ડો શરૂ કરવા અંગે વિચારીશું.