
અમદાવાદઃ શહેરનાં કોટ વિસ્તારને નિયમ મુજબ અને પૂરતા પ્રમાણમાં પીવાનુ પાણી પૂરૂ પાડવામાં અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં કોંગી ધારાસભ્યે પાણીનાં જથ્થાનો અને પોલ્યુશનનો પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
કોંગી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ફલાયઓવર, જીમ્નેશિયમ, પાર્ટીપ્લોટ-હોલ, બાગબગીચા સહિત અનેક માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે, તેમજ પશ્ચિમમાં વ્યક્તિ દીઠ 280 લિટર પાણી આપવામાં આવે છે તેની સામે કોટ વિસ્તારમાં ગીચતા અને ટ્રાફિકની સમસ્યા સિવાય કોઇ વિકાસકાર્ય દેખાતુ નથી. એટલુ જ નહિ કોટ વિસ્તારમાં વ્યક્તિ દીઠ 10 લિટર પાણી આપીને ઘોર અન્યાય કરવામાં આવી રહ્યો છે તે બાબતે તેમણે કમિશનરને પત્ર પાઠવ્યો છે.
કોંગી ધારાસભ્યએ એવી રજુઆત કરી હતી કે,, સમગ્ર કોટ વિસ્તારમાં દરરોજ સવારે શરૂઆતની પાંચ દસ મિનિટ પોલ્યુશનવાળુ પાણી આવે છે, આ સમસ્યાનુ કાયમી નિરાકરણ લાવવાને બદલે થીગડા મારીને કામ ચલાવવામાં આવે છે. પોલ્યુશનવાળુ પાણી આવવાનાં કારણે નાગરિકોને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનવુ પડે છે અને મરણ પણ પામે છે તે માનવ વધ સમાન ગંભીર બાબત છે. દૂધેશ્વર વોટર વર્કસ ખાતે પૂરતા પ્રમાણમાં પાણી આવતુ નથી અને તેના કારણે કોટ વિસ્તારની ટાંકીઓ પૂરી ભરાતી નથી. કોટ વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા માટે પોળોમાં બોર બનાવાયા છે તે પણ અપૂરતા છે.
બીજી બાજુ લોકોને પાણી વગર ચાલે નહિ તેથી ઠેર ઠેર મોટરીંગ કરવામાં આવે છે અને તેના કારણે પણ પોલ્યુશનનો પ્રશ્ન સર્જાય છે. તેમણે એવી માંગણી કરી હતી કે, કોટ વિસ્તારનુ પાણી પૂરવઠાનુ નેટવર્ક 50 વર્ષ જુનુ છે, તેના માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરી નવેસરથી સર્વે કરાવીને વસ્તી પ્રમાણે પાણી પૂરવઠો મળે તેવુ આયોજન કરવામાં આવે તે અનિવાર્ય છે.