
સુરતમાં જાહેર રોડ પરના ખાડાં પુરવાને બદલે માત્ર તિરંગા યાત્રા રૂટ્સના રોડ પર થીગડા મરાયા
સુરતઃ શહેરમાં વરસાદને કારણે મોટાભાગના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. અને કેટલાક સ્થળોએ ખાડાને કારણે અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. વાહનચાલકો રોડ પર પડેલા ખાડાંઓમાં થીગડા મારવાની માગ કરી રહ્યા છે. ત્યારે બિસ્માર થયેલા રોડને મરામત કરવાને બદલે માત્ર હર ઘર તિરંગા યાત્રા જે રોડ પરથી પસાર થવાની છે. તે રોડ પરના ખાડાં પુરવામાં આવતા વાહનચાલકોમાં મ્યુનિ. સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.
સુરત શહેરમાં ભારે વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ ખૂબ જ બિસ્માર બની ગઈ છે. મ્યુનિ. કમિશનર દ્વારા એક સપ્તાહમાં શહેરના તમા રસ્તાઓનું રીપેરીંગ કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ, હાલ જાણે આખું મ્યુનિ. કોર્પોરેશન અઠવા ઝોનમાં ઉતરી પડ્યું છે. છેલ્લા ચાર દિવસથી રોડ રીપેરીંગની કામગીરી માત્ર એક જ વિસ્તારમાં ચાલતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં જેટલી પણ મશીનરી છે, તેની મોટાભાગની મશીનરી અઠવા ઝોનની અંદર કામે લાગી ગઈ છે. મુખ્યમંત્રી સુરતમાં તિરંગા યાત્રામાં હાજરી આપવાના હોવાથી તિરંગા યાત્રાના રૂટ્સને રાતોરાત થીગડાં મારીને મરામત કરી દેવામાં આવ્યો છે. શહેરના મોટાભાગના ઝોનમાં રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે પરંતુ, જાણે અધિકારીઓને પણ અન્ય કોઈ ઝોનની ચિંતા ન હોય તે રીતે માત્ર ને માત્ર અઠવા ઝોનમાં જ સફાઈથી લઈને રોડ રસ્તા રીપેરીંગની કામગીરી પૂરપાટ ઝડપે પૂર્ણ કરી દેવામાં આવી છે. બે કિલોમીટરની આ યાત્રામાં એક પણ ખાડો જોવા ન મળે તે પ્રકારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાય જંકશનથી લઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આ યાત્રા નીકળવાની છે ત્યારે તમામ રસ્તાઓ પર સાફ-સફાઈથી લઈને અન્ય કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી રોડ રીપેરીંગની કામગીરી માત્ર એક જ વિસ્તારમાં ચાલતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.