Site icon Revoi.in

શિયાળામાં સસ્તા મળવા જોઈએ તેના બદલે શાકભાજીના ભાવમાં થયો તોતિંગ વધારો

Social Share

અમદાવાદઃ શિયાળામાં શાકભાજીના ભાવ સામાન્ય હોય છે. તેના બદલે હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ માવઠાને લીધે ઓછું ઉત્પાદન થવાના કારણે તુવેર, વાલોળ, ચપટા, ગાજર, દેશી ટમેટા અને કાકડી, મેથી અને કોબી ગુવાર સહિત લીલા શાકભાજીની ઘટી હોવાનું કહી રહ્યા છે. બીજીબાજુ લગ્નસરાની સીઝનને કારણે લીલા શાકભાજીની માગમાં વધારો થયો છે. દરેક એપીએમસીમાં શાકભાજીની આવકમાં સરેરાશ 30થી 40 ટકાનો ઘટાડો થઈ રહ્યો હોવાનું કહેવાય છે.

આ વર્ષે શિયાળની શરૂઆતમાં જ થયેલા ભારે કમોસમી વરસાદથી શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત હાલમાં લગ્નસરાની સીઝનને પગલે શાકભાજીની માગમાં વધારો થતા ઓળાના રીંગણા, ટામેટા, કોથમરી સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. દિવાળી બાદથી ધીરે-ધીરે વધતો શાકભાજીના ભાવ છેલ્લા 20 દિવસમાં ડબલ થઈ ગયા છે. શાકભાજીના ભાવમાં 30થી 40 ટકાનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો ચોક્કસ થશે, પરંતુ ઘટાડો થવાની શક્યતા નહિવત્ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

એપીએમસીના સૂત્રોના કહેવા મુજબ લગ્નની સીઝન હોવાથી શિયાળાની સીઝનમાં જ ઓળાના રીંગણા, નાના રીંગણા સહિત લીલા શાકભાજીના ખૂબ જ ભાવ વધારો થયો છે. કમોસમી વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાતા ઘણી શાકભાજી બળી ગઈ છે. તો કેટલીક શાકભાજીને પાણીના કારણે નુકસાન પહોંચ્યું હોવાથી ઉતારી મોડો આવી રહ્યો છે. જેથી માગની સરખામણીએ આવક ઓછી નોંધાતા ભાવમાં બમણો વધારો છે. ઓળાના રીંગણા 80થી 100 રૂપિયા કિલો, નાના રીંગણા 150 રૂપિયા કિલો ભાવ છે. લીલી ડુંગળી 20-30 રૂપિયા જુડી (200-250 ગ્રામ) મળી રહી છે.

જ્યારે લીંબુના પ્રતિમણ 302થી લઈને 647 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 15થી લઈને 32 રૂપિયા સુધી મળે છે. ટમેટાના પ્રતિમણ 651થી લઈને 1086 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 32થી લઈને 54 રૂપિયા સુધી મળે છે. કોથમીરના પ્રતિમણ 827થી લઈને 1229 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 41થી લઈને 61.50 રૂપિયા સુધી મળે છે. મુળાના પ્રતિમણ 402થી લઈને 618 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 20થી લઈને 30 રૂપિયા સુધી મળે છે. રીંગણાના પ્રતિમણ 1012થી લઈને 1593 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 50થી લઈને 80 રૂપિયા સુધી મળે છે.  તેમજ કોબીજના પ્રતિમણ 243થી લઈને 401 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 12થી લઈને 20 રૂપિયા સુધી મળે છે. ફ્લાવરના પ્રતિમણ 358થી લઈને 549 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 17થી લઈને 27 રૂપિયા સુધી મળે છે. ભીંડોના પ્રતિમણ 61થી લઈને 1319 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 33થી લઈને 66 રૂપિયા સુધી મળે છે. ગુવારના પ્રતિમણ 1219થી લઈને 1987 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 61થી લઈને 100 રૂપિયા સુધી મળે છે. વાલોળના પ્રતિમણ 957થી લઈને 1403 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 48થી લઈને 70 રૂપિયા સુધી મળે છે. દૂધીના પ્રતિમણ 381થી લઈને 671 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 19થી લઈને 34 રૂપિયા સુધી મળે છે. કારેલાના પ્રતિમણ 582થી લઈને 912 રૂપિયા સુધી મળે છે. એટલે કે, પ્રતિકિલોના 29થી લઈને 45 રૂપિયા સુધી મળે છે. કાકડીના પ્રતિમણ 446થી લઈને 881 રૂપિયા સુધી મળે છે.આ જથ્થાબંધના ભાવ છે. છૂટક ફેરિયાઓ નફો ચડાવીને વધુ ભાવે શાકભાજી વેચી રહ્યા છે.

Exit mobile version