- અફઘાનિસ્તાન પર આવતીકાલે ગ્રૂપ ઑફ 20 અસાધારણ નેતાઓની સમિટ યોજાશે
- આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે
- ઇટાલીના રાષ્ટ્રપતિના આમંત્રણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આ સમિટમાં ભાગ લેશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર આવતીકાલે ગ્રૂપ ઑફ 20 અસાધારણ નેતાઓની સમિટ યોજાશે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી હતી. ઇટાલીના રાષ્ટ્રપતિના આમંત્રણને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદી આ સમિટમાં ભાગ લેશે.
તાલિબાને કબ્જા કરેલા અફઘાનિસ્તાનમાં માનવીય જરૂરિયાતો અને મૂળભૂત સેવાઓ અને આજીવિકાની પહોંચ અંગેની ચર્ચા એ બેઠકનો મુખ્ય એજન્ડા રહેશે. એજન્ડામાં સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઇ અને ગતિશીલતા, સ્થળાંતર અને માનવાધિકાર પરની વાતચીતનો પણ સમાવેશ થશે.
આપને જણાવી દઇએ કે 29 સપ્ટેમ્બરના રોજ ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રગી દ્વારા વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓની સાધારણ સભાની જાહેરાત કરાઇ હતી. મહત્વનું છે કે, આ બેઠક બાદ 30 અને 31 ઑક્ટોબરે રોમમાં જી-20 નેતાઓનું શિખર સંમેલન યોજાશે.
નોંધનીય છે કે, ઇટાલીના વડાપ્રધાન દ્રગીએ થોડાક સમય પહેલા જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના શી જિનપિગ સહિતના વૈશ્વિક નેતાઓ સાથે બેઠક યોજી હતી જેમાં યુદ્વગ્રસ્ત અફઘાનિસ્તાનમાં સંકટનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડી કાઢવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.