
- દિલ્હીમાં ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા પર સમગ્ર દુનિયામાં ચર્ચા
- હવે યુનાઇટેડ નેશન્સે પણ આ મુદ્દે ભારતને આપી વણમાંગી શીખામણ
- ભારતે પણ કર્યો પલટવાર, કહ્યું – UNએ દેશના આંતરિક મામલામાં દખલ ના કરવી
ન્યૂયોર્ક: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા અને ફેલાયેલી અરાજકતા પર સમગ્ર દુનિયા ચર્ચા કરી રહી છે ત્યારે હવે યુનાઇટેડ નેશન્સે પણ ભારતને વણમાંગી સલાહ આપી છે. તો બીજી તરફ ભારતે પણ આડકતરી રીતે નિશાન સાધતા યુએનને દેશના આંતરિક મામલામાં દખલગીરી નહીં કરવાનો સંદેશ આપી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર યુએનના મહાસચિવ પ્રવક્તા સ્ટીફન દુજારિકે નિવેદન આપતા કહ્યું હતું કે, ભારત સરકારે શાંતિપૂર્ણ રીતે થતા પ્રદર્શન, અહિંસા અને લોકોના ભેગા થવા માટેની સ્વતંત્રતાનું સન્માન કરવું જોઇએ.
ભારતમાં થયેલા પ્રદર્શન પર પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારે આ અધિકારનું સન્માન કરવું જોઇએ. જો કે યુએનના આ નિવેદન બાદ ભારતે શાબ્દિક પલટવાર કરતા કહ્યું હતું કે, રાજકીય હેતુ માટે કેટલીક વસ્તુઓને ખોટી રીતે રજૂ કરવામાં ના આવે તો વધારે સારું રહેશે.
ભારતના ખેડૂતો અંગે કેટલીક ટિપ્પણીઓ એવી છે જે જનતાને ભડકાવે તેમ છે. આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી અને તે પણ ખાસ કરીને એક લોકશાહી દેશના આંતરિક મામલાઓ સાથે જોડાયેલી ટિપ્પણીઓ ઉચિત નથી.
(સંકેત)