તેહરાનઃ ઈરાને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ માટે જાસૂસી કરવાના આરોપમાં એક વ્યક્તિને ફાંસી આપી છે. તેમ ઈરાનની ન્યાયપાલિકાની સત્તાવાર સમાચાર એજન્સી મિઝાને જણાવ્યું હતું. અહેવાલ મુજબ, કોમ શહેરમાં ધરપકડ કરાયેલા આ વ્યક્તિને ઈરાનના સુપ્રીમ કોર્ટ દ્વારા મૃત્યુદંડની પુષ્ટિ બાદ અને તેની માફીની અરજી ફગાવ્યા બાદ વહેલી સવારે ફાંસી આપવામાં આવી હતી. રિપોર્ટમાં આરોપીનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ જણાવાયું છે કે, તેને “ઝાયોનિસ્ટ શાસન સાથે ગુપ્તચર સહકાર”, “પૃથ્વી પર ભ્રષ્ટાચાર ફેલાવવો” અને “ખુદા વિરુદ્ધ દુશ્મની” જેવા ગુનાઓમાં દોષી ઠરાવવામાં આવ્યો હતો, જે ઈરાનની ઈસ્લામિક દંડ સંહિતા મુજબ ફાંસીલાયક ગુનાઓ છે.
અહેવાલ મુજબ, આ આરોપીએ ઑક્ટોબર 2023માં મોસાદ સાથે સંપર્ક સાધ્યો હતો અને ત્યારબાદ ઈરાનની અંદર વિવિધ ગુપ્ત મિશન હાથ ધર્યા હતા. ચાર મહિનાના અંતે, એટલે કે ફેબ્રુઆરી 2024માં, તેને ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટમાં વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ કહેવામાં આવ્યું છે કે, આરોપીએ ઈઝરાયલને સંવેદનશીલ માહિતી પૂરી પાડી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, આવા કેસોમાં ફાંસી આપવાનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષા જાળવવાનો છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેહરાનના દાવા મુજબ ઈઝરાયલ ઈરાનની અંદર ઘૂસણખોરી અને તોડફોડની પ્રવૃત્તિઓમાં સામેલ છે. કોમ શહેર, જે તેહરાનથી આશરે 120 કિલોમીટર દક્ષિણમાં આવેલું શિયા ધાર્મિક કેન્દ્ર છે, ત્યાં આપવામાં આવેલી આ ફાંસી તાજેતરના મહિનાઓમાં ઈઝરાયલ સાથેના કથિત સહકારના કેસોની શ્રેણીનો એક ભાગ છે.

