તેહરાન, 27 ઓગસ્ટ 2026: યુદ્ધમાં ક્યારેય કોઈ દેશનું ભલું થતું નથી, તે માત્ર એક વાક્ય નથી પરંતુ કડવી વાસ્તવિકતા છે. જે દેશો લાંબા સમય સુધી યુદ્ધમાં ફસાયેલા રહે છે, તેમની હાલત બદથી બદતર થઈ જાય છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે ઈરાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. યુદ્ધના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોએ દેશની કરન્સી ‘રિયાલ’ને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચાડી દીધી છે. ડૉલર સામે રિયાલ ગગડીને ૨ મિલિયનના સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા એક દાયકાથી પોતાના પરમાણુ પ્રયોગોના કારણે અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરી રહેલા આ દેશની સ્થિતિ દિવસ-પ્રતિદિન કથળી રહી છે.
વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઈલ ભંડારો ધરાવતા દેશોમાં સામેલ હોવા છતાં, ઈરાનની રિફાઇનિંગ ક્ષમતા ઘરેલુ જરૂરિયાત કરતા ઓછી હોવાથી તેણે પેટ્રોલની આયાત કરવી પડે છે. ઈરાન રોજના અંદાજે 12 કરોડ લીટર પેટ્રોલનું ઉત્પાદન કરે છે, જ્યારે વપરાશ આશરે 13.5 કરોડ લીટર છે. આમ, રોજની 1.4 થી 1.5 કરોડ લીટરની ખાધ પડે છે. અગાઉ આ ખાધનો અડધો હિસ્સો આયાત દ્વારા પૂરો કરવામાં આવતો હતો, પરંતુ અમેરિકી દરિયાઈ નાકાબંધી, રશિયાની રિફાઇનરીઓ પર યુક્રેની હુમલાઓ અને કેસ્પિયન સમુદ્રના રસ્તાની સપ્લાય બંધ થવાથી આયાત ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. રાજધાની તેહરાન સહિત અનેક વિસ્તારોમાં પેટ્રોલની તંગી દેખાઈ રહી છે, જ્યાં કેટલાક પંપો બંધ થઈ ગયા છે અને લાંબી કતારો લાગી છે. પેટ્રોલની અછતને કારણે રાઈડ-હેલિંગ સેવાઓના ભાડામાં પણ જંગી વધારો થયો છે.
કરન્સીના સતત અવમૂલ્યનને કારણે દેશમાં ગંભીર ફુગાવાનું સંકટ ઉભુ થયું છે. અલ-જઝીરાના અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધ પહેલા 2 મિલિયન રિયાલમાં લોકો 4 કિલો ટમેટા, અડધો કિલો ચિકન અને એક લીટરથી ઓછું ખાવાનું તેલ ખરીદી શકતા હતા, પરંતુ હવે આ જ રકમમાં તેના કરતા અડધી વસ્તુઓ પણ મળતી નથી. ટમેટાના ભાવમાં 71 ટકા, ચિકનમાં 74 ટકા અને ખાવાના તેલમાં 177 ટકાનો તોતિંગ વધારો થયો છે.
-
જીવનરક્ષક દવાઓ પણ મોંઘી બની
ખાદ્ય ચીજવસ્તુઓ ઉપરાંત ઈરાનમાં જીવનરક્ષક દવાઓની કિંમતોમાં પણ ભયાનક ઉછાળો આવ્યો છે. ડાયાબિટીસની સારવાર માટે વપરાતી ઇન્સ્યુલિનના ભાવમાં 642 ટકાનો વધારો થયો છે, જ્યારે પેરાસિટામોલ જેવી દવાઓ 93 ટકા મોંઘી થઈ છે. આ ઉપરાંત, સરકારી સબસીડી હોવા છતાં શિશુઓના આહાર (બેબી ફૂડ) ના ભાવ પણ 95 ટકા સુધી વધી ગયા છે. યુદ્ધ, અમેરિકી પ્રતિબંધો, નબળો રિયાલ અને સપ્લાય ચેઈનમાં અવરોધે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ અનેકગણી વધારી દીધી છે. જો પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે, તો આગામી દિવસોમાં ઈંધણ અને જરૂરી ચીજવસ્તુઓની તંગી સાથે મોંઘવારીનું દબાણ વધુ વિકટ બની શકે છે.


