નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: નેપાળમાં ભારે પૂરને કારણે ભારે તબાહી મચી છે. બીજી તરફ ભારત સહિતના દેશો દ્વારા પૂરગ્રસ્ત નેપાળમાં મદદ પહોંચાળવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, નેપાળમાં સર્જાયેલી કુદરતી આફતમાં 288 ભારતીય નાગરિકો લાપતા થયા છે. આ લાપતા લોકોમાં ત્રિશુલી પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 73 લોકોનો સમાવેશ થાય છે. આ સિવાય તમિલનાડુના 37 અને 39 લોકોના બે સમૂહ તેમજ પશ્ચિમ બંગાળનો 32 લોકોનો સમૂહ—આમ કુલ પાંચ સમૂહો કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ફસાયા કે લાપતા થયા છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના 61 લોકો અને કેરળના 33 લોકો પણ નેપાળમાં લાપતા હોવાનું સામે આવ્યું છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુના 21 લાપતા લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ તેમને કાઠમંડુથી નવી દિલ્હી લાવવામાં આવશે. આ સાથે કૈલાશ માનસરોવરના કેટલાક તીર્થયાત્રીઓ ચીનમાં પણ ફસાયા છે, જેમણે હેલી તકે ભારત પરત લાવવામાં આવશે.
નેપાળની આ મુશ્કેલ ઘડીમાં મદદ માટે ભારતે બે વિશેષ વિમાનો દ્વારા સહાય મોકલી છે. બુધવારે 10 ટન રાહત સામગ્રી (જેમાં અસ્થાયી આશ્રયસ્થાનો અને દવાઓ સામેલ છે) લઈને સી-130 જે વિમાન નેપાળ પહોંચ્યું હતું. જ્યારે ગુરુવારે 37 ટન રાહત સામગ્રી (જેમાં 8 ટન દવાઓ અને 1 ટન ખાદ્ય પદાર્થો છે) સાથે બીજું સી-17 વિમાન નેપાળ રવાના થયું હતું. આમ, બે દિવસમાં કુલ 47 ટન રાહત સામગ્રી નેપાળ મોકલવામાં આવી છે. નાગરિકોની સહાય માટે વિદેશ મંત્રાલયમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને ભારતીય દૂતાવાસ સતત સ્થિતિ પર નજર રાખીને અધિકારીઓના સંપર્કમાં છે.


