નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2026: બુધવારે નેપાળમાં આવેલા ભીષણ પૂરે ભારે તબાહી મચાવી છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ થરૂર પણ બુધવારે એક કાર્યક્રમમાં સામેલ થવા માટે નેપાળની રાજધાની કાઠમાંડુ પહોંચ્યા હતા, જોકે ઉત્તરી નેપાળમાં સર્જાયેલી આ કુદરતી આપત્તિ અંગે તેમને અગાઉથી કોઈ જાણ નહોતી. થરૂરે પૂરના કારણે થયેલી ભારે જાનમાલની હાનિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ગુરુવારે ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરતા શશિ થરૂરે જણાવ્યું હતું કે, “હું ગઈકાલે કાઠમાંડુ માટે નીકળ્યો હતો, અને મને પર્વતોમાં થયેલી તે તબાહી વિશેબિલકુલ ખબર નહોતી જેણે આટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે.” કાઠમાંડુ પહોંચ્યા બાદ તેમને આ ભયાનક આપત્તિ વિશે માહિતી મળી હતી. ઉલ્લેખનીય છે કે, નેપાળની આ ત્રાસીમાં મૃત્યુઆંક વધીને 177 પર પહોંચી ગયો છે, જ્યારે નેપાળ અને ચીનમાં લગભગ 1500 લોકો લાપતા છે. જેમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
ઉત્તરી નેપાળના રસુવા જિલ્લામાં તિબેટ સરહદ પાસે અચાનક આવેલા આ પૂરના કારણે ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓના કિનારે ભારે તારાજી સર્જાઈ છે. થરૂરે જણાવ્યું કે નિષ્ણાતોનું માનવું છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયરનો મોટો ભાગ તૂટીને નીચે ઘીણમાં પડવાથી આ આપત્તિ આવી છે. પૂરના પ્રચંડ પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછા 19 પુલો નાશ પામ્યા છે, બેટ્રાવતી-રસુવાગઢી હાઈવેનો આશરે 40 કિલોમીટરનો હિસ્સો તબાહ થઈ ગયો છે અને 8 ચાલુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને વ્યાપક નુકસાન થયું છે.
શશિ થરૂરે ભારત સરકાર દ્વારા ત્વરિત રાહત સહાય પૂરી પાડવાના નિર્ણયને સમર્થન આપતા કહ્યું કે, “હું ભારત સરકારના તાત્કાલિક રાહત સહાય આપવાના વચનને સંપૂર્ણપણે ટેકો આપું છું. નેપાળને આ સમયે તમામ શક્ય મદદની જરૂર છે.” આપત્તિથી પ્રભાવિત ભારતીય પ્રવાસીઓ વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, “મારી સંવેદનાઓ પીડિતો અને તેમના પરિવારો સાથે છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સામેલ છે, જેમાંથી 100 જેટલા લોકો કૈલાશ-માનસરોવર યાત્રા પર ગયા હતા.” લાપતા લોકોની સુરક્ષા માટે તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેમને વહેલી તકે બચાવી લેવામાં આવશે.








