
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના લોખંડનો પિલ્લર કિશોર પર પડતા મોત, કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે રોષ
સુરતઃ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. પણ આ વચ્ચે કાદરશાની નાળ ખાતે મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મિત્રો સાથે રમી રહેલા 15 વર્ષના માસૂમ ઉપર લોખંડનો પિલર પડી જવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ખબર સાંભળીને માતા-પિતા બેભાન થઈ ગયા હતા. સ્થાનિકોએ મેટ્રો પ્રોજેક્ટની ગંભીર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરના કાદરશાની નાળ વિસ્તારમાં રહેતો 15 વર્ષીય અખ્તર અફસર શેખ ત્રણ ભાઈઓ અને બહેનોમાં સૌથી નાનો હતો. તેના પિતા સોફા બનાવતી દુકાનમાં મજૂરી કામ કરે છે. ત્યારે સાંજના સમયે અખ્તર પોતાના મિત્રો સાથે મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે, ત્યાં રમવા માટે ગયો હતો. પણ અચાનક ત્યાં લોખંડનો પિલર અખ્તર પડતાં જ તેનું મોઢું છુંદાઈ ગયું હતું. અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં જ અખ્તરના માતા-પિતા સહિતનાં પરિવારજનો ઉપરાંત સ્થાનિકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. અને અખ્તરને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારોભાર રોષ ફેલાઈ ગયો છે. બીજી બાજુ મેટ્રો પ્રોજેક્ટ માટે સ્ટેશનનું કામ કરનારા કારીગરો આ દુર્ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે, મેટ્રો સ્ટેશનની કામગીરીમાં કોઈપણ પ્રકારની સેફ્ટી રાખવામાં આવતી નથી. બીજી બાજુ અખ્તરનો પરિવાર પણ સમગ્ર ઘટનાથી આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. અખ્તરના મોતની ખબર સાંભળીને તેનાં માતા-પિતા બેભાન થઈ ગયા હતા. જ્યારે અખ્તરના કાકાએ હવે પછી મેટ્રો સ્ટેશનની કામગીરી નહીં કરવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી.