Site icon Revoi.in

ગાંધીનગરના લવારપુર ગામની સીમમાં કરોડો રૂપિયાના લોખંડની ચોરીનું કૌભાંડ પકડાયુ

Social Share

ગાંધીનગરઃ શહેરના ગિફ્ટસિટીની નજીક આવેલા લવારપુર ગામની સીમમાં બાતમીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલએ દરોડો પાડીને લોખંડ ચોરીના કરોડો રૂપિયાનું કૌભાંડ પકડી પાડ્યું છે. પોલીસે 36,880 કિલોગ્રામ લોખંડના સળિયા, ટ્રક અને એસયુવી સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ટ્રક ડ્રાઈવર નરસિંહ યોગી, ક્લીનર કાલુ યોગી, રાહુલ ઠાકોર અને તલોદના વેપારી વિશ્રામભાઈ શર્માનો સમાવેશ થાય છે.

ગાંધીનગરના લવારપુર ગામની સીમમાં લોખંડના સળિયાની ચોરી કરીને વેપારીઓને સસ્તાભાવે માલ સપ્લાય કરવામાં આવતો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે 36,880 કિલોગ્રામ લોખંડના સળિયા, ટ્રક અને એસયુવી સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ચાર શખસોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ટ્રક ડ્રાઈવર નરસિંહ યોગીને દર ટ્રિપ દીઠ 2,500 રૂપિયા મળતા હતા. તે ડભોડા બ્રિજ નજીક આવીને શૈલેષ સોલંકીને ફોન કરતો અને રસ્તામાં માલ ઉતારી લેવામાં આવતો હતો. રાયપુર ગામના રાહુલ ઠાકોર અને શૈલેષ સોલંકીએ વિવિધ ડ્રાઈવરો સાથે આ પ્રકારની ગોઠવણ કરી હતી.

લોખંડના સળિયાચોરીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર શૈલેષ સોલંકી સહિત ચાર આરોપીઓ હજુ ફરાર છે. ફરાર આરોપીઓમાં દશરથ ઠાકોર, કારીલાલ ડામોર અને સુરેશ ઠાકોરનો સમાવેશ થાય છે. પોલીસે ડભોડા પોલીસ મથકમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે વ્યાપક તપાસ શરૂ કરી છે.

Exit mobile version