
- અનંતનાગમાં આતંકીઓનો ફરી હુમલો
- 24 કલાકમાં બીજી વખત બની ઘટના
- CRPF બંકર પર ફેંક્યો ગ્રેનેડ
શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સતત દહેશત ફેલાવવાની કોશિશમાં લાગેલા છે. આતંકવાદીઓએ ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં હુમલો કર્યો છે. અહીં આતંકીઓએ CRPF બંકર પર ગ્રેનેડ ફેંક્યો છે.
મળતી માહિતી મુજબ,આ હુમલો અરવાની બિજબેહરા વિસ્તારમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.આ હુમલામાં કોઈ સુરક્ષા દળના ઘાયલ થયાના સમાચાર નથી.
ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં આ બીજી ઘટના છે જ્યારે આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે.આ પહેલા રવિવારે સાંજે પુલવામામાં આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો હતો.આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.આ હુમલામાં પણ માત્ર સીઆરપીએફના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકીઓનો સફાયો કરવામાં લાગ્યા છે. અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓનો ઢેર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે.
શનિવારે, સુરક્ષા દળોએ ઘાટીમાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓમાંથી એક IED નિષ્ણાત હતો.આ માહિતી પોલીસે આપી હતી.શોપિયાં જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.