જમ્મુ-કાશ્મીર: સાંબામાં ડ્રોન દ્વારા ફેંકાયેલ પિસ્તોલ અને ગ્રેનેડનો જથ્થો જપ્ત
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદેથી ડ્રોન દ્વારા હથિયારો ઘુસાડવાના વધુ એક પ્રયાસને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવ્યો છે. સાંબા સેક્ટરમાં મોડી રાત્રે પાકિસ્તાની ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારો અને દારૂગોળાના જથ્થાને સેનાએ સર્ચ ઓપરેશન દરમિયાન રિકવર કરી લીધો છે. 125 બીએસએફ બટાલિયનના કાર્યક્ષેત્રમાં આવતા ફ્લોરા ગામ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે સુરક્ષાકર્મીઓને માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી આવેલા એક શંકાસ્પદ ડ્રોને સાંબાના ફ્લોરા ગામની આસપાસ કોઈ વસ્તુ નીચે પાડી છે. આ બાતમીના આધારે સેના અને પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જવાનોને એક શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું.
સુરક્ષા એજન્સીઓએ જ્યારે આ શંકાસ્પદ પેકેટ ખોલ્યું ત્યારે તેમાંથી મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાંથી બે અત્યાધુનિક પિસ્તોલ, 3 પિસ્તોલ મેગેઝિન, 16 રાઉન્ડ કારતુસ અને એક હેન્ડગ્રેનેડ મળી આવતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.
બીએસએફ અને સ્થાનિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં ફરી એકવાર સર્ચ કરવામાં આવ્યું છે જેથી અન્ય કોઈ શંકાસ્પદ સામાન કે વ્યક્તિની ભાળ મેળવી શકાય. હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ હથિયારોની હેરાફેરીના આ નેટવર્કને તોડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.


