Site icon Revoi.in

વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર શહેરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

Social Share

જામનગર, 8 મે 2026: City decorated with colorful lights  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10મી મેના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. અને શહેરના સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાનના  આગમન પૂર્વે મ્યુનિ.કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવાની વિશેષ અને ભવ્ય કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને જામનગર શહેરનો પ્રતિષ્ઠિત ગૌરવ પથ માર્ગને ખાસ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે. ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના આ માર્ગના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પર ઝગમગતી રંગબેરંગી રોશની લગાડવાની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે. રંગબેરંગી લાઈટો અને સુશોભનથી મુખ્ય રોડની રોનક બદલાઈ ગઈ છે.

 આ ઉપરાંત, લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, દિગ્જામ સર્કલ અને મહાકાળી સર્કલ સહિત શહેરના 5 મુખ્ય સર્કલોને પણ અત્યંત આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. એરફોર્સના ગેટથી લાલ બંગલા સુધીના માર્ગ પરના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને પણ ગૌરવશાળી રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે.  શહેરના માર્ગોને શણગારની કામગીરી ગઈકાલ રાત્રિથી જ આરંભી દેવામાં આવી છે. આગામી 2 દિવસમાં શહેરના તમામ મુખ્ય માર્ગો અને સર્કલો સંપૂર્ણપણે રોશનીથી ઝળહળી ઉઠશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર જામનગર શહેરમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે, અને તંત્ર દ્વારા સુચારુ આયોજન માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે.

Exit mobile version