
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રાઓનો ગુરૂવારે રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામથી‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે કરેલાં કામો લોકોને બતાવશે.
ધંધુકાના ઝાંઝરકા અને નવસારીથી પ્રસ્થાન થયેલી ભાજપની ગૌરવ યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ કાશ્મીર સંબંધિત મુદ્દાઓ માટે જવાબદાર હતા. બંધારણની કલમ 370 હટાવીને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને જાય છે. જવાહરલાલ નેહરૂની કલમ 370 નાખવાની ભૂલને કારણે કાશ્મીરમાં અશાંતિ સર્જાઈ હતી. તે દેશ સાથે યોગ્ય રીતે એકીકૃત થઈ શક્યું નથી. દરેકની ઈચ્છા હતી કે કલમ 370 હટાવવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને એક જ ઝાટકે હટાવીને કાશ્મીરનું દેશ સાથે જોડાણ પૂર્ણ કર્યું છે.
કેન્દ્રિય મંત્રી અમિત શાહે ઝાંઝરકા સવૈયાનાથથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં તેમણે સભાને સંબોધતા જણાવ્યું હતું, સવૈયાનાથના પવિત્ર ધામ અને ઉનાઈ માતાના પવિત્ર ધામથી ત્રણ યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે ગુજરાતની 182 સીટને ખૂંદીને ગુજરાતનાં ઘરે-ઘરે જઈ જન જન સુધી ભાજપની ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ આપવાનું કામ કરશે. ગુજરાત ગૌરવ યાત્રા ચાલુ થઈ રહી છે, ત્યારે કેટલાક લોકો મને પૂછતા હતા કે ગૌરવ શેનું અમિતભાઈ? હું આજે આ મંચ પરથી કહેવા માગું છું, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વરસમાં જનતાએ જે વિશ્વાસ મૂક્યો અને ભાજપે જે વિશ્વાસ પૂરો કર્યો, ગુજરાતને સમગ્ર દેશમાં પહેલા નંબરે લઈ ગયા એનું ગૌરવ. આ ગુજરાતની જનતાના ધન્યવાદની આ યાત્રા છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે ભાજપે આઠ સ્થળોએથી ગુરૂવારે ગૌરવ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. જેમાં સંત સવૈયાનાથજી ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગૌરવ યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યું છે, જે 9 જિલ્લાની 24 વિધાનસભા બેઠકમાં પસાર થઇ 8 દિવસમાં કુલ 1070 કિમીનો પ્રવાસ કરશે. આ ઉપરાંત ઉનાઇ માતાથી ફાગવેલ સુધીની યાત્રાનો પ્રારંભ થયો છે. જે 13 જિલ્લાની 35 વિધાનસભા બેઠક આવરી લઇ 9 દિવસમાં આશરે 990 કિમીનું અંતર કાપશે. તેમજ બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા – ઉનાઇ માતાથી અંબાજી સુધી 14 જિલ્લામાં પસાર થઇ 31 વિધાનસભા બેઠકોને આવરી લેતી 1068 કિમી પ્રવાસ કરશે.
ભાજપની ગોરવ યાત્રાનો 12 ઓક્ટોબરે બહુચરાજીથી કચ્છમાં માતાના મઢ સુધીની યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે 9 જિલ્લાના 33 વિધાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિમીનો પ્રવાસ કરશે, જેના શુભારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા. ઉપરાંત નડ્ડાએ દ્વારકાથી પોરબંદરની યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે 21 વિધાનસભા વિસ્તારમાં ફરશે, એ દરમિયાન 22 જાહેરસભાનું આયોજન કરાશે. જેપી નડ્ડાની આગેવાનીમાં સાત દિવસમાં કુલ 876 કિલોમીટરનો પ્રવાસ કરશે.