Site icon Revoi.in

ખંભાત સેશન્સ કોર્ટે 7 વર્ષની બાળકી પર રેપ અને હત્યા કેસના આરોપીને ફાંસીની સજા ફટકારી

Social Share

અમદાવાદઃ ખંભાત શહેરમાં વર્ષ 2019માં બેસતા વર્ષના દિને 7 વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલની ધરપકડ કરીને પુરાવા સાથે ખંભાતની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસ ચાલી જતા કોર્ટે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે.

ખંભાત સેશન્સ કોર્ટે બાળકી પર રેપ અને હત્યાના કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા ફટકારી છે. ખંભાત સેશન્સ કોર્ટે આરોપી અર્જુન ગોહેલને પોક્સો એક્ટ તેમજ હત્યાના ગુનામાં દોષી ઠેરવી, ડબલ ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદો ન્યાયની દિશામાં એક ઐતિહાસિક પગલું છે, જે પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવા સાથે સમાજમાં આવા જઘન્ય ગુનાઓ સામે કડક સંદેશ આપે છે.

આ કેસની વિગતો એવી હતી કે,  ખંભાતમાં વર્ષ 2019માં આરોપીએ બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યાર બાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી હતી. તેનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળ્યો હતો. આ ગંભીર અપરાધ સંદર્ભે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. 30 ઓક્ટોબરે 2019ના રોજ પોલીસે આરોપી યુવક અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલની ધરપકડ કરી હતી. આરોપી બાળકીને તેના ઘરની બહારથી ફટાકડા ખરીદવાના બહાને લલચાવીને લઈ ગયો હતો આ પછી તેણે ગામની સીમમાં એકાંત વિસ્તારમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યો અને પુરાવાનો નાશ કરવા માટે તેના પોતાના હાથે તેનું ગળું દબાવી દીધું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ હતી કે બાળકીનું ગળું દબાવતાં પહેલાં તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી PSI એન.એમ. રામીએ કહ્યું હતું કે આરોપી પીડિતાને ફટાકડા ખરીદવા માટે લલચાવી હતી. તેના પર બળાત્કાર કર્યા પછી તેણે તેની હત્યા કરી નાખી, કારણ કે તેને ડર હતો કે તે પોતાની ઓળખ આપી દેશે અને પોલીસ તેની ધરપકડ કરશે. ત્યાર બાદ તેણે તેના મૃતદેહને ખુલ્લી ગટરમાં ફેંકી દીધો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે.