Site icon Revoi.in

જામનગરમાં ખીજડિયા પક્ષી અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મુકાયુ

Social Share

જામનગરઃ  જિલ્લામાં આવેલુ ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષીપ્રેમી અને પક્ષિવિદો માટે જાણીતુ છે. દેશ-વિદેશના મોટી સંખ્યામાં પક્ષીઓ વિહાર કરવા માટે અભ્યારણ્યમાં આવતા હોય છે. ચોમાસા દરમિયાન પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. જે આજથી એટલે કે 7 ઓક્ટોબર, મંગળવારથી પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

જામનગર નજીક મરીન નેશનલ પાર્ક હેઠળ આવતા આ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દેશ-વિદેશના અસંખ્ય પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાની ઋતુમાં અહીં 334 જેટલા વિવિધ પ્રકારના પક્ષીઓ મહેમાન બને છે. ખારા અને મીઠા પાણીના કયારા તેમજ અનુકૂળ ભૌગોલિક સ્થિતિને કારણે વિવિધ પ્રજાતિના પક્ષીઓ અહીં આકર્ષાય છે.પક્ષીઓને અહીં શાંત વાતાવરણ, પૂરતો ખોરાક અને પાણીની સુવિધા મળે છે. મરીન નેશનલ પાર્ક પણ આ પક્ષીઓને રક્ષણ પૂરું પાડવા માટે સક્રિય ભૂમિકા ભજવે છે, જેના પરિણામે દુનિયાના ખૂણેખૂણેથી પક્ષીઓ ખીજડીયા આવે છે.

મોટી સંખ્યામાં અને વિવિધ પ્રકારના પક્ષીઓને નજીકથી નિહાળવા માટે પક્ષીપ્રેમીઓ નિયમિતપણે ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લે છે. ખાસ કરીને શિયાળામાં પક્ષીઓની ફોટોગ્રાફી માટે ફોટોગ્રાફરોની પણ ભીડ જોવા મળે છે.આ વર્ષે સારા વરસાદને કારણે શિયાળામાં દેશ-વિદેશના પક્ષીઓ વધુ સંખ્યામાં આવે તેવી શક્યતા છે. દિવાળી વેકેશન અને ઠંડીની મોસમમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ અભયારણ્યની મુલાકાત લેતા હોય છે.