ભાવનગર, 28 જાન્યુઆરી 2026: જિલ્લાના બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલામાં આરોપીઓને પકડવા કોળી સમાજે મોરચો માંડ્યો હતો. શરૂઆતમાં પોલીસે તપાસને આડા પાટે ચડાવી હતી. પણ કોળી સમાજના નેતાઓની મુખ્યમંત્રીને રજુઆત બાદ 5થી 7 આરોપીઓને પકડ્યા બાદ તટસ્થ તપાસ માટે સીટની રચના કર્યા બાદ લોક ડાયરા કલાકાર માયા આહીરના પુત્ર જયરાજ આહીર સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. હવે કોળી સમાજે ન્યાય માટે ભાવનગરમાં 1લી ફેબ્રુઆરીને રવિવારના રોજ ન્યાય સભા યોજવાની જાહેરાત કરી છે. મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આયોજીત આ ન્યાય સભા માટે શહેરના અલગ અલગ 200 સ્થળે બેનર લગાવવામાં આવ્યા છે. કોળી સમાજના સાંસદ અને ધારાસભ્યોને પણ ન્યાય સભામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાવનગરના બગદાણા ગામે નવનીત બાલધિયા પર હુમલા બાદ તેમના સમર્થનમાં આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણીના મત વિસ્તારમાં કોળી સમાજનું મહા સંમેલન યોજાશે. જે વિસ્તારમાં કોળી સમાજનું સંમેલન યોજાવાનું છે. તે વિસ્તારમાં કોળી સમાજના મતદારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. કોળી સમાજના મહા સંમેલન માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સભા સ્થળ મંડપ નાખવાની કામગીરી ચાલી રહી છે. તદઉપરાંત શહેરમાં જે જે સ્થળોએ કોળી સમાજ વસવાટ કરી રહ્યો છે જેમાં હાદાનગર, મેપાનગર, સત્યનારાયણ સોસાયટી, બોરતળાવ મફતનગર, ગણેશ ગઢ, બાનુબેનની વાડી કુંભારવાડા, નારીગામ, ફુલસર, સતનામ ચોક, રામદેવનગર કુંભારવાડા સહિતના અનેક વિસ્તારોમાં 200 થી વધુ સમસ્ત કોળી – ઠાકોર સમાજ ન્યાયસભા આયોજિતના બેનરો લગાવામાં આવ્યા.છે.
આ અંગે કોળી સમાજના યુવા આગેવાન હિરેન વાઘેલાએ જણાવ્યું હતું કે ન્યાય સભાનું આયોજન છે. જેના અનુસંધાને રોજ રાત્રિના ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં મીટીંગો કરી લોકોને આ ન્યાય સભામાં આવવા આહવાન કર્યું છે. અમારો એક જ ધ્યેય છે કે અમારા સમાજના નવનીત ભાઈ સાથે અન્યાય થયો છે એને ન્યાય મળે.જે સભામાં શહેર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકો આવશે. આ ન્યાય સભામાં બધા ધારાસભ્યો અને સાંસદ સભ્યોને આમંત્રણ પાઠવ્યું છે.

