
રાજકોટઃ કચ્છ સ્થિત ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના (GUIDE)વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક- કોર્ડિસેપ્સ મિલિટેરિસ મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે, જેનો ઉપયોગ ચાઈનીઝ અને તિબેટી હર્બલ દવાઓમાં થાય છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં 35 બરણીની અંદર 90 દિવસમાં 350 ગ્રામ મશરૂમ ઉગાડ્યું છે. આ મશરૂમનો પ્રતિ કિલોનો ભાવ 1.50 લાખ રૂપિયા છે. બ્રેસ્ટ કેન્સરની સારવારમાં આ મશરૂમ ઉપયોગી હોવાનું જાણ્યા બાદ, ઈન્સ્ટિટ્યૂટે સાવ સામાન્ય ફીથી આંત્રપ્રિન્યોરને આજીવિકાના વિકલ્પ તરીકે લેબોરેટરી લેવલ પર મશરૂમનું વાવેતર શીખવવા માટે તાલીમ આપવાનું નક્કી કર્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ‘કોર્ડિસેપ્સ મિલિટેરિસને હિમાયલયના સોના તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને લગતા ઘણા લાભ થાય છે અને તે લાઈફસ્ટાઈલ બીમારીની વિશાળ શ્રેણીને રોકી શકે છે. આ ફૂગ ક્લબ આકારની હોય છે અને તેની સપાટી થોડી પંક્ચર થયેલી હોય તેવી દેખાય છે. આંતરિક ફંગલ પેશી સફેદથી થોડી હળવી ઓરેન્જ કલરની હોય છે. નિયંત્રિત પરિસ્થિતિઓમાં તેને લેબમાં ઉગાડવાનું હવે શક્ય છે. ઈન્સ્ટિ્ટયૂટે આ મશરૂમની વિવિધતાના એન્ટીટ્યૂમર તત્વનો વિગતવાર અભ્યાસ કર્યો હતો. અમદાવાદની નિરમા યુનિવર્સિટી સાથે કો-ઓર્ડિનેશન કરીને આ કામગીરી કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આ મશરૂમનો અર્ક બ્રેસ્ટ કેન્સરમાં ટ્યૂમરમાં ઘટાડો કરવાના સંદર્ભમાં નોંધપાત્ર પરિણામ આપી શકે છે’, એવું વરિષ્ઠ વૈજ્ઞાનિકોનું માનવુ છે. ભારતીય પરિસ્થિતિઓમાં આ પ્રજાતિના એન્ટી-વાયરલ અને એન્ટી-કેન્સર ગુણનું ટેસ્ટિંગ કરવાની યોજના છે. મશરૂમની ખેતીની તાલીમ લેબોરેટરીના ધોરણે અઠવાડિયામાં એક લાખ રૂપિયા જેટલી છે. પરંતુ GUIDE સામાન્ય ફીથી તેની તાલીમ આપશે.