Site icon Revoi.in

કચ્છમાં નર્મદાની ગાગોદર બ્રાન્ચ કેનાલ તૂટતા 15 દિવસથી લાખો લિટર પાણીનો વેડફાટ

Social Share

ભૂજ, 15 એપ્રિલ 2026: Gap in Gagodar branch canal of Narmada  કચ્છના વાગડ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે ખેડૂતોની સિંચાઈ માટે બનાવવામાં આવેલી નર્મદાની ગાગોદર બ્રાંચ કેનાલ અવાર-નવાર તૂટવાના બનાવો બને છે ત્યારે ફરીવાર ભચાઉ તાલુકાના રાજસ્થળી અને રાપર તાલુકાના કુંભારીયા સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા 15 દિવસથી આ ગાબડામાંથી લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. છતાં, નર્મદા નિગમનો કોઈ અધિકારી કે કર્મચારીએ નિરીક્ષણ કરવાની પણ તસ્દી લીધી નથી.

કચ્છ જિલ્લામાં નર્મદાની ગાગોદર-વાંઢીયા સબ બ્રાન્ચ કેનાલ નબળા કામને લીધે  વિવાદોના ઘેરામાં રહી છે. ખેડૂતો અને સ્થાનિક આગેવાનોનો સીધો આક્ષેપ છે કે, કેનાલના બાંધકામમાં કેટલાક કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ અને ફરજ પરના કર્મચારીઓની મિલિભગતથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ હલકી ગુણવત્તાના કામના પરિણામે, જ્યારે પણ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે.  ત્યારે તરત જ ગાબડાં પડવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. આ વિસ્તારના ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, “અમારી સીમમાંથી પસાર થતી કેનાલમાં 15 થી 20 દિવસથી ગાબડું પડ્યું છે. પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે અને આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને કોઈ રિપેરિંગની કામગીરી કરવામાં આવતી નથી.

સ્થાનિક ખેડૂતોએ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું છે કે, જો ગાગોદર-વાંઢીયા કેનાલનું ડ્રોન કેમેરા દ્વારા સર્વે કરવામાં આવે, તો આખી કેનાલમાં હજારો નાના-મોટા ગાબડાં સ્પષ્ટ જોઈ શકાશે. આ પરિસ્થિતિ ખેડૂતોના હિત પર સીધો કુઠારાઘાત છે અને તંત્રએ તાત્કાલિક ધોરણે આ ગાબડાં પૂરીને કસૂરવારો સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Exit mobile version