Site icon Revoi.in

મુળીના ધોળિયા ગામે કોલસાના ખનન કેસમાં 4 શખસો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

Social Share

સુરેન્દ્રનગર, 8 ફેબ્રુઆરી 2026,  જિલ્લાના મૂળી તાલુકાના ધોળિયા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસા ખનન કરવાના કેસમાં કલેક્ટરના આદેશ બાદ 4 શખસો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કાર્યવાહી ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020’ હેઠળ કરવામાં આવી છે. ખનીજ માફિયા સામે કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.

આ બનાવની વિગત એવી હતી કે, ગઈ તા. 30 જુલાઈ, 2025ના રોજ રાત્રે 12:30 કલાકે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને મૂળી મામલતદારની સંયુક્ત ટીમે ધોળિયા ગામના સરકારી સર્વે નંબર 12/1/1 પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદે ખનનમાં વપરાતા ટ્રેક્ટર અને કમ્પ્રેસર સહિત કુલ 36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ખનન સ્થળે જોખમી સ્થિતિમાં કામ કરી રહેલા 38 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી કોલસાનું ખનન કરી આર્થિક લાભ મેળવતા હતા. નાયબ કલેક્ટરે આ મામલે સુઓમોટો દરખાસ્ત તૈયાર કરી સુરેન્દ્રનગર કલેક્ટરને મોકલી હતી. ગુનાની ગંભીરતા જોતા કલેક્ટરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.

મૂળી મામલતદારને આ કેસમાં ફરિયાદ નોંધાવવા અધિકૃત કરાયા હતા, જે અંતર્ગત 03 ફેબ્રુઆરી, 2026ના રોજ મૂળી પોલીસ મથકે 4 શખસો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. તંત્ર દ્વારા હાલ આ સરકારી જમીન પેશકદમી મુક્ત કરાવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Exit mobile version