Site icon Revoi.in

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં વકીલોની હડતાળ

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં આજે ગુરૂવારે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પાડીને કામથી વેગળા રહ્યા હતા. આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા હતા અને વિરોધપ્રદર્શન કર્યુ હતુ. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમને રજુઆત કરવા દિલ્હી પહોંચ્યા છે.

સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.

આ મામલે આજે ગુરૂવારે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા હતા અને વિરોધપ્રદર્શન કર્યુ હતુ.  હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ઉપપ્રમુખ વિરાટ પોપટે જણાવ્યું કે હાઇકોર્ટમાંથી નામદાર જજની ટ્રાન્સફરનો ઓર્ડર આવે એનાથી બાર નારાજ છે. એટલે જનરલ બોડીમાં વકીલોએ કામથી અળગા રહેવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે હાઇકોર્ટના ડેલિગેશનને મળવા બોલાવતા એસોના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમને રજુઆત કરવા દિલ્હી પહોંચ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટની રજિસ્ટ્રીમાંથી ફાઇલો ગુમ થવાના કેસમાં જસ્ટિસ સંદીપ ભટ્ટે રજિસ્ટ્રી સામે નારાજગી વ્યકત કરી હતી. તેમણે હુકમમાં ઠેરવ્યું હતું કે બે વર્ષ પહેલાં રજિસ્ટ્રીમાં સીસીટીવી નાખવાનો હુકમ કર્યો હોવા છતાં બે વર્ષે પણ સીસીટીવી નાખવામાં આવ્યા નથી. જો સીસીટીવી નાખ્યા હોય તો ફાઇલો ગુમ થવાના કેસમાં ઝડપથી ઉકેલ મળી શકયો હોત.