નવી દિલ્હી: લદ્દાખના પર્યાવરણ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. આંગમોએ તેમના પતિની ધરપકડને ગેરકાનૂની ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી બંધક મુક્તિ માટેની હેબિયસ કોર્પસ પિટિશન રૂપે અનુચ્છેદ 32 હેઠળ કરવામાં આવી છે. વાંગચુકને 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયત કરવામાં આવી હતી. હાલ તેઓ રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. પત્ની આંગમોએ આક્ષેપ કર્યો કે તેમને ખોટા આરોપોમાં ફસાવવામાં આવ્યા છે, જેમાં પાકિસ્તાન સાથે સંપર્ક હોવાનો આરોપ પણ સામેલ છે, જે સંપૂર્ણપણે બિનઆધારિત છે.
ગીતાંજલી આંગમોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખી વાંગચુકની મુક્તિ માટે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. ત્રણ પાનાના આ પત્રમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી લોકોના હિત માટે અવાજ ઉઠાવવાને કારણે તેમના પતિને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, તેમને ખબર નથી કે તેમના પતિ હાલ કઈ પરિસ્થિતિમાં છે.
લેહના કલેક્ટર મારફતે મોકલાયેલા એક મેમોરેન્ડમમાં આંગમોએ જણાવ્યું હતું કે, “અમે વાંગચુકની નિશર્ત મુક્તિની માગણી કરીએ છીએ. તેઓ એવો માણસ છે, જે દેશને તો શું, કોઈને પણ ખતરો નહીં બની શકે. લદ્દાખની માટીના સપૂતોની સેવા અને રાષ્ટ્રની રક્ષા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.” લેહ શહેરમાં થયેલી હિંસક ઝપાઝપીમાં ચાર લોકોનાં મોત થયા બાદ 26 સપ્ટેમ્બરે વાંગચુકને NSA હેઠળ અટકાયત કરવામાં આવ્યા હતા. આ હિંસા લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગને લઈને થયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ભભૂકી હતી.