- પરિવાર મજુરી કાર કરતો હતો ત્યારે બાળકને દીપડો ઉઠાવી ગયો હતો
- શ્રમિક પરિવારે બુમાબુમ કરતા દીપડો બાળકને છોડીને નાસી ગયો હતો
- બાળકને હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
અમરેલીઃ જિલ્લામાં હાલ રવિ સીઝનમાં ખેડૂતો ખેતીના કામમાં પરોવાયા છે. સીમ વિસ્તારમાં વાડી-ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને શ્રમિકો પર દીપડાના હુમલાના બનાવો બની રહ્યા છે. ત્યારે ધારી તાલુકાના ગોપાળગ્રામમાં વાડીએ શ્રમિકો કામ કરી રહ્યા હતા. અને શ્રમિકની 5 વર્ષિય બાળક રમી રહ્યો હતો. ત્યારે અચાનક આવેલા દીપડાએ બાળકી પર હુમલો કરીને તેને ખેચીને ભાગ્યો હતો. દરમિયાન આ બનાવની શ્રમિકોએ ભારે બુમાબુમ કરતા દીપડો બાળકને છોડીને નાસી ગયો હતો. ગંભીરરીતે ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત ચલાલા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વનવિભાગ દ્વારા વિસ્તારમાં સ્કેનિંગની કામગીરી અને લોકેશન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને વન વિભાગ દ્વારા 4 પાંજરા મુકવામાં આવ્યાં હતા. વન વિભાગને ગણતરીના કલાકોમાં દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે. જેથી ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ બનાવની વિગત એવી છે કે, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીક આવેલી વાડીમાં દીપડાના હુમલામાં 5 વર્ષિય બાળકનું મોત થયું હતુ. વાડીમાં તુવેરની ખેતીનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક દીપડો આવી બાળકને ઉઠાવી ગયો હતો. મૃતક બાળકની ઓળખ સાહિલ રાકેશભાઈ કટારા (ઉ.વ.5) તરીકે થઈ છે, મૃતક બાળકના માતા-પિતા દાહોદ જિલ્લાના રહેવાસી છે.
દીપડો બાળકને ઉઠાવી લઈ જતા સ્થળ પર કામ કરી રહેલા સ્થાનિક ખેતમજૂરો અને લોકો દ્વારા બુમો પાડવામાં આવતા દીપડાએ બાળકને નીચે મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે, ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને ચલાલાની સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા વનવિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. વન વિભાગે દીપડાનું લોકેશન મેળવીને ચાર જેટલા પાંજરા મૂક્યા હતા. જેમાં માનવભક્ષી દીપડો પાંજરે પુરાઈ ગયો છે.
ધારી ગીર પૂર્વ ડિવિઝનના ACF પ્રતાપ ચાંદુએ જણાવ્યું હતું કે, આજે સવારે 9 વાગ્યાના અરસામાં એક દીપડા દ્વારા સાહિલ નામના બાળકને અહીં તુવેરનું ખેતર છે, એમાંથી પકડીને ઈજા પહોંચાડી હતી. ઈજા પહોંચાડ્યા બાદ તેને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. દીપડો પાજરે પુરાઈ ગયો છે.
અમરેલીમાં બાળકો પર દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે. આ પહેલા 28 નવેમ્બરે ધારીના ત્રંબકપુર ગામમાં પુરુષોતમ ભાઈ મોરી નામના વ્યક્તિની વાડીમાં રહેતા પરપ્રાંતિય મજૂર પરિવારની બાળકીને દીપડો ઉઠાવી ગયો હતો. બાળકીની માતા રસોઈ બનાવી રહી હતી તે સમયે બાળકી (રિંકુ ઉ.1 વર્ષ) માતાની બાજુમાં બેઠી હતી. તે દરમિયાન અચાનક દીપડો આવી ગયો હતો અને રસોઈ બનાવી રહેલ માતા કંઈ વિચારે તે પહેલા જ દીપડો રિંકુ નામની બાળકીને ઉઠાવી ભાગી ગયો હતો. જેની પાછળ માતા વેલણ લઈ દોડતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને દીપડાની પાછળ બૂમા બૂમ કરતા ખેતરથી 300 મીટર દૂર બાળકીને મૂકી દીપડો નાશી ગયેલો હતો.

