1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..
જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..

જીવનઝરૂખો..  રસ્તો કરી જવાના..

0
Social Share
નીલમ દોશી
નીલમ દોશી

“રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે  મૂંઝાઇ મનમાં, મરી જવાના!” ઘાયલ.

કાળમીંઢ પથ્થરને તોડીને નાનકડું ઝરણું પણ ખળખળ વહીને પોતાનો રસ્તો કરી લે છે. તો કાળા માથાનો માનવી ધારે તો શું  ન કરી શકે? એની વિચાર શક્તિ કેવી અદભૂત છે. એક જાણીતું ઉદાહરણ જોઇએ.

વર્ષો પહેલાંની વાત છે. એક રાજા  ધૂની અને તરંગી મગજનો હતો. એકવાર એણે પોતાના રાજ્યમાં દાંડી પિટાવી કે મારે એક એવી વ્યક્તિની જરૂર છે  જે મહામંત્રીનું પદ સંભાળી શકે, પણ એ માટે મારી અમુક શરતો રહેશે.  મહામંત્રીનું આ પદ તેને  પાંચ વરસ માટે જ  મળશે. પાંચ વરસના એને પાંચ લાખ સોનામહોર હું આપીશ. પાંચ વરસ પછી નગરની બહાર વહેતી વૈતરણી નદીની પેલે પાર જે ભયાનક  જંગલ છે ત્યાં એણે જતાં રહેવું પડશે. પોતાનું બાકી જીવન એણે ત્યાં જ પસાર કરવાનું રહેશે.

રાજાની  આવી શરત સાંભળી લોકો ચોંકી ઊંઠ્યા.  પાંચ લાખ સોનામહોર મળવાની લાલચ જોરદાર હતી, પણ સામેના એ જંગલમાં અનેક ખૂંખાર જાનવરોનો વાસ હતો. એની જાણ સૌને હતી જ.  ભરબપોરે પણ ત્યાં જવાની કોઇ  હિંમત  નહોતું કરતું. કમોતે મારવા કોણ તૈયાર થાય? પણ.. એક યુવાન તૈયાર થઇ ગયો.

રાજાએ પૂછયું, “તેં મારી શરતો સાંભળી છે ને?”

“જી, હા!”

“તો પછી શા માટે હાથે કરીને મરવાનો થાય છે?”

“મહારાજ, એમ મૃત્યુથી ડરનારો હું નથી.”

“પણ તારી પત્ની હશે, તારા બાળકો હશે. તેમનો વિચાર નહિ કરે?”

“ પાંચ લાખ સોનામહોર ઓછી નહીં પડે, મહારાજ … એમની જિંદગી મોજથી ગુજરે એવી વ્યવસ્થા કરીશ.”

યુવકની દ્રઢતા જોઇ રાજાએ એને મહામંત્રી નીમી લીધો. મહામંત્રી બનતાંની સાથે જ એણે પ્રજા અને રાજ્યની સમગ્ર પરિસ્થિતિનો અભ્યાસ કરવા માંડ્યો. રાજ્ય વ્યવસ્થાને વધુ પદ્ધતિસર બનાવી. પ્રજાના કલ્યાણ માટે એક પછી એક કામો ઉપાડ્યાં. પ્રજાની સુખ-સુવિધા માટે પ્રયત્નો કરવા માંડ્યો. બે વરસમાં તો પ્રજા એને અછોવાના કરવા લાગી. આ યુવાન મંત્રીએ લોકોના દિલ જીતી લીધાં.

આ પણ વાંચોઃ અનુવાદ એક કુશળતા છે, બૌદ્ધિક સંપદા છેઃ રુપાલીબેન બર્ક

પાંચ વરસ પૂરા થતા જ શરત મુજબ  નિયત સમયે યુવક  નદીની સામે પાર જંગલમાં જવા નીકળ્યો ત્યારે હજારો સ્ત્રી – પુરુષોની ભીડ તેમને વળાવવા નદીકિનારે ભેગી થઇ. કુટુંબીજનો, પ્રજા સૌ રડતાં હતાં. યુવકે હોડીમાં  બેસતા પહેલાં પત્નીને કાનમાં કશુંક કહ્યું.  પત્નીની રડતી આંખો હસી ઊઠી. તે પછી યુવક  પોતે જ હોડીને હલેસાં મારીને સામે કિનારે જઈ પહોંચ્યો.

એ પછી  એની પત્ની પોતાના પરિવારને લઈને બીજી નૌકામાં સામે કિનારે જવા રવાના થયાં. લોકોએ તેને રોકવાની ઘણી કોશિશ કરી, પણ એની પત્નીએ કોઇનું સાંભળ્યું નહીં. એ હેમખેમ સામે કિનારે પહોંચી ગઇ.

ત્યારબાદ સામે કિનારે રહેલા મહામંત્રીએ ત્યાં ઊભા ઊભા મોટેથી એક જાહેરાત કરી, “મિત્રો, મારી વાત ધ્યાન દઈને સાંભળજો. આજ દિવસ સુધી તમે જેને ભયંકર જંગલ માનતા હતા તે હવે જંગલ રહ્યું જ નથી. હવે તે  પણ  એક સરસ મજાના નગરમાં બદલાઈ ગયું છે. મેં મારા પાંચ વરસના મંત્રીકાળ દરમ્યાન  એ જંગલને સાફ સૂફ કરીને એને સરસ મજાનું નગર બનાવી દીધું છે. હવે અહીં હિંસક પશુઓ નથી. કોઇ ભય નથી. બધી રીતે આ જગ્યા એકદમ સલામત છે. તમારામાંથી જો  કોઈને આ નગરમાં આવીને વસવું હોય તે આવી શકે છે. અહીં આવનારને તમામ સગવડ મળશે.”

આ પણ વાંચોઃ જીવનઝરૂખોઃ સંઘર્ષમાં ઝળહળતી જિંદગી..

આ સાંભળી લોકોનાં ટોળેટોળાં સામે કિનારે પહોંચી ગયાં. નગર જોઈને બધાં ખુશ થઇ ગયા. સૌએ મહામંત્રીને ધન્યવાદ આપ્યા. મહામંત્રીએ એમને સમજાવ્યું, કે  જ્યારે મેં મહામંત્રી બનવાનું નક્કી કર્યું ત્યારથી જ મારા મનમાં આ જંગલને નગરમાં ફેરવવાની યોજના રમતી હતી. મને થયું કે પાંચ વરસ પછી મારે જ્યાં જઈને રહેવાનું છે ત્યાં હું કેમ નંદનવન ઊભું ન કરી દઉં?  બિહામણાં અને હિંસક પશુઓથી ભરેલા જંગલને હજારો મજૂરો અને કારીગરોની મદદથી મેં આજે રમણીય, સોહામણું નગર બનાવ્યું છે. હવે અહીં મજાથી જીવન ગુજારીશ. રાજાની શરત જંગલમાં જઈને જીવવાની હતી. જંગલને નગરમાં નહીં ફેરવવાનું એવી કોઇ શરત નહોતી.

યેસ.. માનવી પોતાની બુદ્ધિનો,  પોતાની આંતરસૂઝનો ઉપયોગ કરે  તો ગમે તેવી મુશ્કેલીઓમાંથી પણ રસ્તો નીકળવાનો જ ..જરૂર હોય છે ફક્ત દ્રષ્ટિની. સામે  કોઇ રસ્તો ન દેખાય ત્યારે ગભરાયા સિવાય પોતાની અલગ કેડી કંડારવાની હિમત જે દાખવી શકે એમને માટે મંઝિલ કદી દૂર નથી હોતી. મુશ્કેલીઓ તો આવે ને જાય, દોસ્તો, એમ કંઇ  થોડા મૂંઝાઇને મરી જવાય ?

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code