Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદના હળવા ઝાપટા પડશે, મંગળવારથી ગરમીમાં વધારો થવાની શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે, આજે બપોર સુધી રાજ્યમાં કોઈપણ સ્થળોએ માવઠુ પડ્યાના વાવડ મળ્યા નથી. જ્યારે આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 29 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. જેમાં કૂતિયાણામાં ત્રણ ઈંચ, અને માળિયા હાટીના, જામજોધપુરમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં હજુ બે-ત્રણ દિવસ વરસાદના હળવા ઝાપટાં પડી શકે છે. તેમજ તાપમાનમાં પણ વધારો થશે.

રાજ્યમાં આજે પણ છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. જેમાં આજે બપોર બાદ અમરેલી જૂનાગઢ, ગીર, સોમનાથ, દિવ, રાજકોટ, ભાવનગરમાં ગાજ વીજ ભારે પવન સાથે ભારેથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, બોટાદ, ડાંગ સાબરકાંઠા, ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ  આજે તા. 12 અને કાલે તા. 13 મે દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ત્રણ દિવસના બ્રેક બાદ 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ફરીથી વરસાદ આવી શકે છે. કૃતિકા નક્ષત્રમાં રાજ્યમાં કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ આવવાની શક્યતા છે. વરસાદ સાથે રાજ્યમાં પવનનું જોર પણ રહેશે.  તેમજ તા. 25 મેથી 4 જુન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 28 મેથી 4 જુન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે. 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે. તેના બાદ 28 મેથી 4 જુન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન અલગ અલગ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતીપાકને સારૂએવું નુકસાન થયુ છે. રાજ્યમાં ધીમે ધીમે માવઠાની અસર ઓછી થતાં ગરમીમાં વધારો થયો છે. રવિવારે દિવસભર ભારે ઉકળાટભર્યો માહોલ રહ્યો હતો. ભુજમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરનું તાપમાન પણ 36 ડિગ્રી કરતા વધુ નોંધાયું હતું. આગામી દિવસોમાં આ તમામ શહેરોનાં તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની આગાહી છે.