- જિલ્લામાં 118 વનરાજોનો વસવાટ
- પાલિતાણમાં 20 સિંહના એક જ પરિવારના ધામા
- ગોહિલવાડની ભૂમિ વનરાજો માટે સાનુકૂળ બની
ભાવનગરઃ ગોહિલવાડ પંથક સિંહોને માટે સાનુકૂળ બનતા સિંહોની વસતીમાં વધારો થયો જાય છે. આ વખતે 2025ની ગણતરી મુજબ ભાવનગર જિલ્લામાં સાવજની કુલ સંખ્યા 116 થઇ ગઇ છે જે 2020ની ગણતરીમાં 73 હતી આમ, 5 વર્ષમાં ભાવનગર જિલ્લામાં સાવજની વસ્તીમાં 43નો અને ટકાવારી મુજબ 58.90 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો પાલિતાણા પંથકમાં 20 સિંહનો એક પરિવાર જોવા મળ્યો છે. તે આ ગણતરીમાં એક અત્યંત નોંધપાત્ર બાબત છે.
ભાવનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કરવામાં આવેલી 16મી સિંહ ગણતરીમાં અહીં કુલ 116 સિંહોની હાજરી નોંધવામાં આવી છે. ઇસ 1998 માં ભાવનગરમાં ફરીથી સિંહનાં પ્રવેશની શરૂઆત થઈ હતી. આ પ્રથમ રેકોર્ડ રાણી ગાળા , જેસર ખાતે નોંધાવામાં આવ્યો હતો. છેલ્લા 27 વર્ષમાં સિંહની વસ્તી 116 પર પહોંચી છે. ભાવનગરમાં આ ગણતરી મુજબ પુખ્ત સિંહ 30, પુખ્ત સિંહણ 44, કિશોર સિંહની સંખ્યા 9 અને કિશોર સિંહણની સંખ્યા 10 તેમજ બચ્ચાની સંખ્યા 23 મળીને કુલ 116 સાવજ છે. સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગરના પાલિતાણા નજીક અત્યાર સુધીનું સૌથી મોટું 20 સભ્યોનું સિંહ કુટુંબ જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં 20 સિંહોનો સમૂહ ભાવનગર જિલ્લાના પાલિતાણાની સાંજણાસર વિડી એટલે કે રાજસ્થળી-વીરડી વિસ્તારમાં જોવા મળ્યો હતો.આ પરિવારમાં બે પુખ્ત સિંહ, છ સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના આશરે 13 બચ્ચાઓ સામેલ છે.જ્યારે વસ્તી ગણતરી દરમિયાન આ જ વિસ્તારમાં નવ સિંહ સાથેનો અન્ય એક સમૂહ પણ જોવા મળ્યો હતો.
ભાવનગરના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સિંહોની સંભાળ માટે અનેક પગલાં લેવાયામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઇન્ટ ઊભા કરાયા છે. ઉનાળામાં સિંહોને તકલીફ પડે નહીં તે હેતુસર આ કુત્રિમ પાણીના પોઇન્ટ ઊભા કરાયેલા છે.
સિંહોની વસતી ગણતરીમાં એક રસપ્રદ બાબત એ બહાર આવી છે કે જૂનાગઢ અને ગીર જે સિંહોના મૂળ આવાસ ગણાય છે તેના કરતા નવા થયેલા અમરેલી અને ભાવનગરમાં સિંહની સંખ્યા વધુ છે. જે મુજબ જૂનાગઢ અને ગીર સોમનાથ બે જિલ્લામાં સાવજની કુલ સંખ્યા 413 નોંધાઇ છે જ્યારે અમરેલી અને ભાવનગરમાં મળીને કુલ સંખ્યા 455 થઇ ગઇ છે. ખરેખર તો ગીર અને જુનાગઢ સાવજ માટે કુદરતી રહેણાંક ગણાતા હતા પણ હવે અમરેલી અને ભાવનગર પણ સિંહોના પ્રિય સ્થળોમાં ઉમેરાયા છે.