Site icon Revoi.in

રાજકોટમાં મીની સાસણ જેવા લાયન સફારી પાર્કને ઉનાળાના વેકેશન પહેલા ખૂલ્લો મુકાશે

Social Share

રાજકોટઃ રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્ક પાછળ મીની સાસણ ગીર જેવા લાયન સફારી પાર્કના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. હાલ શહેરના ફરવાના પ્રિય સ્થળ પ્રદ્યુમન પાર્કની પાછળના ભાગે રાંદરડા તળાવના રસ્તે સફારી પાર્ક માટે કમ્પાઉન્ડ વોલ સહિતના સિવિલ વર્કનું કામ 80 ટકા પૂર્ણ થયુ છે. ત્યારે આગામી ઉનાળાના વેકેશનમાં આ સફારી પાર્ક ખુલ્લો મુકવાની મ્યુનિની ગણતરી છે.

સૌરાષ્ટ્રમાં સાસણ, અમરેલી જિલ્લામાં સિંહોને કુદરતી જંગલમાં વિહરતા નિહાળી શકાય છે. હવે રાજકોટના શહેરીજનોને ફરવાનું એક વધુ સ્થળ મળે તે માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં આવેલી જગ્યા પર એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા આયોજન કરતા સરકાર અને ઝુ ઓથોરીટીએ લીલી ઝંડી આપી હતી. થોડા મહિનાથી સફારી પાર્કનું કામ પુરજોરમાં શરૂ કરવામાં આવ્યું છે. ઉનાળાના વેકેશન પહેલા જ સફારી પાર્કનું તમામ કામ પૂર્ણ કરી દેવાશે. અને સફારી પાર્ક શરૂ થતાં સિંહની ડકણ શહેરમાં સંભળાશે.

શહેરના પ્રદ્યુમન પાર્ક પાછળ બની રહેલા સફારી પાર્કમાં પ્રથમ કમ્પાઉન્ડ વોલનું કામ ઉપાડાયું હતું અને ઘનિષ્ઠ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. રૂા.44 કરોડના ખર્ચે 29 હેકટર જગ્યા પર લાયન સફારી પાર્કની 80 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. હવે ડિસેમ્બરથી માર્ચ મહિનામાં મોટા ભાગનું કામ પૂર્ણ કરવા તૈયારી છે. ઉનાળુ વેકેશન પડે તે સાથે માર્ચ-એપ્રિલમાં આ સફારી પાર્કમાં લોકો સિંહને વિહરતા જોઇ શકે તેવી આશા છે.  પાર્કમાં કમ્પાઉંડ વોલ તથા ફેન્સીંગ અને મેઇન ગેઇટ, ઇલેકટ્રીક વાહન ટુ વે એન્ટ્રી એકિઝટ મોટા રસ્તાઓ નાના તળાવ ચેક ડેમ આયુર્વેદ વર્ક સહિતના કામો પણ પૂર્ણ થવામાં છે. બાકીના બે ફેઇઝનું કામ પાંચ માસમાં પૂર્ણ થવાની શકયતા સાથે માર્ચ માસમાં લાયન સફારી પાર્ક ખુલ્લુ મુકવામા આવશે.

આરએમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં લાલપરી તળાવ અને ઝૂની બાજુમાં આવેલી ફોરેસ્ટ વિભાગની મ્યુનિ. હસ્તકની 29 હેક્ટર જગ્યા ઉપર એશિયાટિક લાયન સફારી પાર્ક બનાવવાની  યોજના બે વર્ષ અગાઉ બનાવવામાં આવી હતી. જેને ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી અપાયા બાદ આ પાર્કના નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવાયું હતું. સાત તબક્કામાં શરૂ કરાયેલા આ કામના ચાર તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું થઇ ગયુ છે અને અંદાજીત 27 કરોડનું કમ્પાઉંડ વોલ અને મેઇન ગેઇટનું કામ પૂર્ણ થતા હવે નાઇટ સોલ્ડર ફૂડ કોર્ટ પાર્કિંગ વ્યવસ્થા સહિતના ત્રણ કામો શરૂ કરવામાં આવ્યા છે. એશિયાટીક લાયન સફારી પાર્કના નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની સમયમર્યાદા જૂન-2026 છે પરંતુ માર્ચ-2026 સુધીમાં જ કામ પૂર્ણ થઈ જાય તેવું લાગી રહ્યું છે.

 

Exit mobile version