અમરેલી, 26 જુન, 2026 : Lion’s body found in suspicious condition in Dalkhaniya range જિલ્લાના દલખાણિયા રેન્જમાં સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા વન વિભાગનો કાફલો દોડી ગયો હતો. મૃતક સિંહને પોસ્ટમોર્ટમ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. પીએમ બાદ સિંહના મોતનું કારણ જાણવા મળશે, આ ઘટનાને પગલે વન વિભાગે તપાસ હાથ ધરી છે. ગીર પૂર્વ ડિવિઝનમાં અગાઉ પણ સિંહોના મોતના બનાવો સામે આવ્યા હતા.
અમરેલી જિલ્લાના દલખાણિયા રેન્જના રેવન્યું વિસ્તારમાં મૃતક હાલતમાં સિંહ મળી આવતા વન વિભાગના કર્મચારીઓ દોડી ગયા હતા. અને વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. દરમિયાન દલખાણીયા રેન્જના ફોરેસ્ટ ઓફિસર (RFO) કલાકો પછી પહોંચતા સ્ટાફમાં નારાજગી જોવા મળી હતી. ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવે સિંહના મોતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ જાણી શકાશે.
અગાઉ ગીર પૂર્વ અને પશ્ચિમ ડિવિઝનમાં સિંહોના શંકાસ્પદ મોત થયા બાદ વનમંત્રીએ મુલાકાત લીધી હતી. તે સમયે લેવાયેલા સેમ્પલના રિપોર્ટ હજુ સુધી રાજ્ય સરકાર કે વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં ફરી એકવાર સિંહનું શંકાસ્પદ મોત થતા દલખાણીયા રેન્જ વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગીર પશ્ચિમ રેન્જની બાબરીયા અને પૂર્વની જસાધાર રેન્જમાં સિંહોમાં 8થી વધુ સિહોના મોત થયા હતા. સિંહોમાં બેબેસિયા અને સીવીડી વાયરસની આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ઘટનાની ગંભીરતા દિલ્હી સુધી પહોંચી હતી અને રાજ્યના વન મંત્રીએ પણ જામવાળા અને જસાધાર એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

