Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાલે મંગળવારે પરિણામ, હાર-જીતની ચાલતી અટકળો

Social Share

રાજકોટ, 27 એપ્રિલ 2026: Local government election results tomorrow રાજ્યમાં 15 મહાપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતોની રવિવારે યોજાયેલી ચુંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે 28મીને મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ઈવીએમ દ્વારા વોટિંગ થયું હોવાથી કાલે બપોર સુધીમાં મોટાભાગના પરિણામો આવી જશે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તા. 26મીને રવિવારે નિર્વિધ્ને શાંતિપૂર્ણરીતે યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં મતદારોમાં નિરસતા જોવા મળી હતી. ખાસ કરીને સતાધારી ભાજપમાં ઉચાટ છે. જયારે કોંગ્રેસ-આપ નેતાઓમાં પણ પરિણામને લઈને અસમજસભરી સ્થિતિ છે. આવતીકાલે સવારથી મતગણતરી શરૂ થવા સાથે બપોર સુધીમાં ચિત્ર ઘણા અંશે સ્પષ્ટ થઈ જવાનું માનવામાં આવી રહ્યું છે. રાજય ચૂંટણી પંચના રીપોર્ટ પ્રમાણે  અમદાવાદ સહિત 15 મહાપાલિકાનું સરેરાશ-મતદાન 49.02 ટકા રહ્યું હતું આ વખતે નવી 9 મહાપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી થઈ હોવાથી ગત ટર્મનાં સરેરાશ મતદાનની સરખામણી બંધ બેસી શકે તેમ નથી. 34 જિલ્લા પંચાયતમાં સરેરાશ 61.69 ટકા, મતદાન હતું. 2021 ની સરખામણીએ રાજકોટ સહીતની અનેક જિલ્લા પંચાયતોમાં પાંચ ટકા જેટલુ ઓછુ નોંધાયુ હતું. જ્યારે 84 નગર પાલિકાઓનું સરેરાશ મતદાન 59.50 ટકા રહ્યું હતું. જુદી-જુદી નગરપાલિકામાં 11 બેઠકોની પેટા ચૂંટણી પણ થઈ હતી તેમાં સરેરાશ 51.38 ટકા મતદાન થયુ હતું. રાજયની 260 તાલુકા પંચાયતોમાં 62.38 ટકા મતદાન થયુ હતું.

મહાપાલિકાઓ કરતા નગરપાલિકા પંચાયતોમાં 10 થી 12 ટકા વધુ મતદાન થયુ હતું. એટલે શહેરી કરતી ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ થયુ હતું.  મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા સાથે ઉમેદવારોનાં ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયા છે જે આવતીકાલે ખુલવા સાથે પરીણામ જાહેર થશે. રાજયમાં મતદાન વખતે આકરો સુર્યપ્રકોપ હતો અને અનેક સેન્ટરોમાં તાપમાન 44 ડીગ્રીને વટાવી ગયુ હોવાથી મતદાન પ્રભાવિત થયુ હતું. એસઆઈઆર તથા નવી ઓબીસી અનામત પછીની પ્રથમ ચૂંટણી હતી. મોટાભાગની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં ભાજપની સતા હતી. આ વખતે નિરસ મતદાન, સતા વિરોધી માહોલ, આંતરીક અસંતોષ જેવા કારણોથી થોડા ઘણા અંશે નુકશાન થવાની રાજકીય ગણતરી મુકવામાં આવી રહી છે.

Exit mobile version