Site icon Revoi.in

માણસા માર્કેટ યાર્ડમાં એક જ રાતમાં 17 દૂકાનોના તાળાં તૂટ્યા, વેપારીએમાં ફફડાટ

Social Share

ગાંધીનગર, 19 એપ્રિલ 2026: Locks of 17 shops broken in Mansa Market Yard જિલ્લાના માણસા માર્કેટ યાર્ડમાં મધરાત બાદ 17 દુકાનોના તાળા તૂંટતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચોર ટોળકીએ મધરાતે માર્કેટ યાર્ડને નિશાન બનાવી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ કોઈ પણ ડર વગર ઠંડા કલેજે એક પછી એક 17થી વધુ દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, માણસા માર્કેટ યાર્ડમાં ગત રાત્રે તસ્કર ટોળકીએ  ત્રાટકીને તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે યાર્ડની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને અંદર પ્રવેશ કર્યો હતો. નવાઈની વાત એ છે કે કોઈ એક-બે નહીં પરંતુ લાઇનસર 17થી વધુ દુકાનોના તાળા તોડી નાખવામાં આવ્યા હતા. તસ્કરોએ ગણતરીના કલાકોમાં જ આટલી મોટી સંખ્યામાં દુકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. વહેલી સવારે જ્યારે વેપારીઓ પોતાનો રોજિંદો વેપાર કરવા માટે માર્કેટ યાર્ડ પહોંચ્યા ત્યારે દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યા હતાં. માર્કેટ યાર્ડની લાઈનબદ્ધ દુકાનોના તાળા તૂટેલા અને શટર અધખુલ્લા જોઈ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.  વેપારીઓએ અંદર જઈને જોતા માલ સામાન વેરવિખેર પડ્યો હતો અને ગલ્લાઓમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં વેપારીઓ ઉમટી પડ્યા હતા.આ બનાવની જાણ થતા જ માણસા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

માણસા પોલીસે ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. માર્કેટ યાર્ડમાં લાગેલા સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.  પોલીસે ભોગ બનનાર વેપારીઓની યાદી તૈયાર કરી કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે. તેની વિગતવાર માહિતી મેળવવાની કવાયત શરૂ કરી છે. જોકે આ ઘટનાએ માણસામાં પોલીસની નાઇટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખી છે.

Exit mobile version