Site icon Revoi.in

પુણ્ય શ્લોક અહલ્યા દેવીની 300મી જન્મશતાબ્દી અંતર્ગત લોકમાતા નાટ્યમંચનનું આયોજન

Social Share

અમદાવાદઃ સમાન્યથી અસામાન્ય બનેલી વિરાંગના અહિલ્યાદેવી હોળકરની 300 મી જન્મજયંતિ મહોત્સવની ઉજવણી અંતર્ગત મહિલા સમન્વય,કર્ણાવતી તેમજ માધવ સ્મૃતિ ન્યાસ દ્વારા 22, 23 માર્ચ 2025 ના રોજ લોકમાતા નાટકનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યુ. એચ.કે કોલેજના સભાગૃહમાં આ નાટકના 4 શો પ્રસ્તુત થયા, જે નિહાળવા કલા ગુરુ સ્મિતા શાસ્ત્રી જેવા કલાકારો, વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ગુજરાતના સેવાકીય ક્ષેત્રે કામ કરતા 3000 થી વધુ લોકો આવ્યા હતા.

આ નાટકની વિશેષતા એ હતી કે તેનું લેખન અને દિગ્દર્શન ISRO (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) ના વૈજ્ઞાનિક નંદિની દેશપાંડે અને ડો. ધવલ વર્તકે કર્યું હતું, જ્યારે પ્રસ્તુતિ કરનારા તમામ કલાકારો પોતાના ક્ષેત્રમાં શિખર પર કાર્યરત છે. આ પ્રયોગ એ સાબિત કરે છે કે વિજ્ઞાન અને કલા સાથે મળે ત્યારે એ માત્ર મનોરંજન પૂરતું જ સીમિત રહેતું નથી, પણ સમાજ માટે પ્રેરણાનું મજબૂત માધ્યમ બની શકે છે.

નાટકમાં માત્ર તેમના શૌર્ય અને રાજકીય દૃષ્ટિની જ વાત નહીં, પણ આજના યુગમાં પણ એક સ્ત્રી કેવા રીતે લીડર બની શકે, સમાનતા, ન્યાય અને ધર્મનું પાલન કેવી રીતે કરી શકાય – તેવા પ્રશ્નોના જવાબ પણ રજૂ કરવામાં આવ્યા. અહિલ્યા દેવી ના આદર્શો આજે પણ સમાજ માટે સમકાલીન છે.

આજના યુગમાં જ્યારે નેતૃત્વ, નારીશક્તિ અને સંસ્કૃતિ જળવવાની જરૂરિયાત છે, ત્યારે આ નાટકે લોકોને વિચાર કરવા મજબૂર કર્યા. અને  આખો  સભાગૃહ લોકમાતા ના જયઘોષ થી ગુંજી ઉઠયો હતો. નાટકના અંતે અનેક લોકોએ કહ્યું કે, “અહિલ્યાદેવી માત્ર ઈતિહાસના પાત્ર નથી, તેઓ આજના યુગ માટે પણ એક મજબૂત માર્ગદર્શક છે.”

આ પ્રસંગે એ સાબિત થયું કે મહાનાયકોના જીવનમાંથી મેળવેલી પ્રેરણા અમર રહે છે.  રાજમાતા અહિલ્યાએ જે રીતે ન્યાય, સખાવત અને તટસ્થતાથી સમાજ માટે કાર્ય કર્યું, તે આજની પેઢી માટે એક મજબૂત સંદેશ છે – “જો ઇચ્છાશક્તિ મજબૂત હોય, તો કોઈપણ યુગમાં એક સામાન્ય માણસ પણ અસામાન્ય કાર્ય કરી શકે છે.”