Site icon Revoi.in

તાપી નદી પરના ઉકાઈ ડેમના 9 દરવાજા 5 ફુટ ખોલાતા નીચાણાળા વિસ્તારોને એલર્ટ કરાયા

Social Share

સુરતઃ તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમમાં હાલ 66 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના લીધે ડેમની જળસપાટી 334.45 ફુટને વટાવી જતા ડેમના 9 દરવાજા 5 ફુટ ખોલવામાં આવતા તાપી નદીમાં જળ પ્રવાહ વધી રહ્યો છે. તેથી નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તાપી નદીના ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી હતી. જેના પગલે સીઝનમાં પ્રથમ વખત ઉકાઈ ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમની સપાટી નિયમિત રૂલ લેવલની નજીક પહોંચતા, પાણીનું દબાણ નિયંત્રિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી લગભગ 66 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીના વધેલા પ્રવાહને કારણે ડેમની સપાટી 334.45 ફૂટ સુધી પહોંચી ગઈ છે. જ્યારે આ માસનું રૂલ લેવલ 335 ફૂટ નક્કી કરાયું છે. ઉકાઈ ડેમમાં જળ સપાટી વધતા ડેમના કુલ 9 ગેટ ખોલવામાં આવ્યા છે. જેમાંથી 8 ગેટ 5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જ્યારે 1 ગેટ 4 ફૂટ જેટલો ખોલાયો છે. આ ગેટ દ્વારા તાપી નદીમાં લગભગ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, હાઈડ્રો પાવર યુનિટ મારફતે 23 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે કુલ મળી તાપી નદીમાં એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા તાપી નદીના કિનારે વસવાટ કરતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પાણીના વધેલા પ્રવાહને કારણે આસપાસના વિસ્તારમાં રહેલા લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ નદી કિનારે જવાનું ટાળે. ખાસ કરીને, માછીમારી કરતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે તેઓ તાત્કાલિક નદીમાં માછીમારી કરવા ન જાય. તંત્રે નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપે. બીજી તરફ, ખેડૂત વર્ગમાં ખુશીની લાગણી પણ છે. કેમ કે નદીમાં પાણી છોડાતા ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાનું છે. ખેડૂતોને આ પાણીથી આગામી દિવસોમાં સિંચાઈ માટે મોટો ફાયદો થશે

ઉકાઈ ડેમના 9 ગેટ ખોલાતા તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને આધારે આગામી દિવસોમાં ગેટના ઓપરેશનમાં ફેરફાર કરવામાં આવશે. તંત્રે લોકોને સ્પષ્ટ સૂચના આપી છે કે અફવા પર વિશ્વાસ ન કરે અને અધિકૃત માહિતી પર આધાર રાખે. હાલ તો એક લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીમાં પાણીનો પ્રવાહ તેજ થયો છે અને લોકોમાં સુરક્ષા સાથે સાવચેતી અપનાવવા તંત્ર દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે.આમ, ઉકાઈ ડેમના ગેટ ખોલાયા બાદ તાપી નદીમાં એક તરફ પાણીનો ખતરો ઊભો થયો છે, તો બીજી તરફ ખેડૂતોના ચહેરા પર આશાનો કિરણ પણ જોવા મળી રહ્યો છે.