રાજકોટ, 27 જાન્યુઆરી 2026: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સાયલાના હડાળા પાટિયા નજીક બન્યો હતો. એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતાં 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હાલ સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ- રાજકોટ નેશનલ હાઈવે પર સાયલાના હડાળાના પાટિયા પાસે ખાનગી લકઝઢરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસે પલટી ખાતા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ સાયલા, ચોટીલા અને ડોળિયા લોકેશનની ત્રણ જેટલી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બસના તમામ 15થી વધુ ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓની ગંભીરતા જોતા 09 ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. જેમાં ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
સાયલા હાઈવે પર છેલ્લા બે દિવસમાં આ બીજી મોટી અકસ્માતની ઘટના છે. જેમાં જુદી જુદી બે લક્ઝરી બસોને નડેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 39 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

